શિવરાત્રીના પાવન અવસરે ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ ભવનાથ મંદિર પરિસર ખાતે ગિરનાર તીર્થક્ષેત્ર અને જુદા જુદા અખાડાઓના સાધુ સંતોના આશીર્વાદ મેળવી સંતોનું બહુમાન કરી અભિવાદન કર્યું

શિવરાત્રીના પાવન અવસરે ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

જૂનાગઢ તા.૧૬
જૂનાગઢ નજીક ભવનાથ તળેટી ખાતે યોજાયેલા મહાશિવરાત્રી મેળાનાં અંતિમ દિવસ એટલે કે શિવરાત્રીનાં પાવન અવસરે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગઈકાલે મેળામાં ખાસ ઉપસ્થિત રહયા હતાં અને સ્વયંભુ ભવનાથ મહાદેવનાં દર્શન કર્યા હતાં તેમજ ભવનાથ મંદિરમાં આવેલા અખંડ ધુણાનાં પણ દર્શન કર્યા હતાં અને મૃગીકુંડ ખાતે શ્રધ્ધાપૂર્વક નમન કર્યુ હતું. મહાશિવરાત્રી મેળાને લઈને ધર્મમય બની ગયેલા ભવનાથ ક્ષેત્રમાં એક આધ્યાત્મીક અને ચેતનાનો સંચાર થયો હતો. પાંચ દિવસનાં શિવરાત્રી મેળાનાં પર્વે સંતો, મહંતો, મંડલેશ્વરો, સિધ્ધ સંતોનાં દર્શન થકી ભાવિકો પણ ભાવવિભોર બન્યા હતાં. ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભવનાથ મંદિર પરીસરનાં સત્સંગ હોલ ખાતે સંતો સાથે પણ મુલાકાત કરી હતી. અને તેમનાં આર્શિવાદ મેળવ્યા હતાં. સાથે જ ખેસ અને ફુલહાર પહેરાવી અભિવાદન પણ કર્યુ હતું. આ તકે વરીષ્ઠ સંતો તેમજ જીલ્લાનાં પદાધિકારીઓ, અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહયા હતાં. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડનાં સભ્ય સચિવ રમેશ મેરજાએ સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સ્વાગત કર્યુ હતું. આ સાથે જ ઉર્જા રાજય મંત્રી કૌશિકભાઈ વેકરીયાનું પણ સ્મૃતિ ચિન્હ અર્પણ કરી વહીવટ તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પ્રાંત અને મેળા અધિકારી ચરણસિંહ ગોહીલે મહાશિવરાત્રીનાં મેળાની પ્રાચીન ભૂમિકા અંગે વિસ્તૃત વિગતો આપી હતી.