માંગરોળ નગરપાલિકા સંબંધિત પડતર પ્રશ્નો અને સમસ્યાઓને લઈને કચેરીમાં ધરણા

પ્રદર્શન કરવા જઈ રહેલા સામાજીક કાર્યકર અને એક્ટિવિસ્ટ સહિત છ લોકોની પોલીસે અટકાયત કરી હતી

માંગરોળ નગરપાલિકા સંબંધિત પડતર પ્રશ્નો અને સમસ્યાઓને લઈને કચેરીમાં ધરણા

(પ્રતિનિધિ દ્વારા)
માંગરોળ, તા.૧
શહેરમાં લાંબા સમયથી રોડ રસ્તાની બિસ્માર હાલત, રખડતા પશુઓનો ત્રાસ, ખાતમુહુર્ત બાદ પણ ગટર યોજનાના અટકેલા કામ, વેરાવળ રોડ ઉપર ગાર્ડનનું અઘરૂ કામ સહિતના મુદ્દે સામાજીક કાર્યકર નિઝામુદ્દીન જેઠવાની આગેવાનીમાં નગરપાલિકા હાય...હાય...ના સુત્રોચ્ચારો સાથે "ગટર રસ્તાને અંધારપટ, બંધ કરો આ વહિવટી નાટક", "બાળકો માટે ગાર્ડન ખોલો, રમવાનો હક પાછો આપો", "આખલા અને કુતરાથી મુક્તિ મળશે. આ શહેરને  જેવા બેનરો સાથે યુવાનો પાલિકા કચેરીએ ધરણાં પ્રદર્શન, રજુઆતો કરવા જઈ રહ્યા હતા. ત્યારે કચેરીમાં પ્રવેશે તે પહેલાં જ ગેઈટ પાસે પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી અને બપોર બાદ તેઓને મુક્ત કરાયા હતા. શહેરમાં લાંબા સમયથી લોકો અનેક સમસ્યાઓથી ત્રસ્ત છે. ત્યારે ઈનચાર્જ ચિફ ઓફીસર મૌલિક એચ. વંશે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રખડતા ઢોર, કુતરાની હાલાકી દુર કરવા એજન્સી નક્કી કરવા આજે ઓનલાઈન ટેન્ડર, જાહેર નિવિદા આપી દેવામાં આવી છે. રસ્તાના પેચિંગ વર્ક માટે એસ્ટિમેટ બનાવવાની કામગીરી ચાલુ હોવાનું જણાવી દસેક દિવસમાં તાંત્રિક, વહિવટી મંજુરી મેળવી સમગ્ર શહેરમાં જરૂરીયાતનું પેચિંગ વર્ક ઓક્ટોબર માસમાં પૂર્ણ થઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત બંદર વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન નાંખવાનું કામ પ્રગતિમાં છે ત્યારબાદ અન્ય વિસ્તારોમાં પણ કામગીરી ચાલુ થવાનું જણાવ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી લોકચર્ચામાં કેન્દ્ર સ્થાને રહેલા ગાર્ડન બાબતે જણાવ્યું હતું કે ૧૫ દિવસમાં ટીમો દ્વારા ગાર્ડનમાં જરૂરી કામગીરી કરવામાં આવશે ત્યારબાદ એક માસમાં તેના લોકાર્પણ કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.