મ્યુની. તંત્રની ગુનાહિત બેદરકારી : ચોમાસુ આંબી ગયું પરંતુ જૂનાગઢ શહેરનો એક પણ માર્ગ બન્યો નહી...!

મ્યુની. તંત્રની ગુનાહિત બેદરકારી : ચોમાસુ આંબી ગયું પરંતુ જૂનાગઢ શહેરનો એક પણ માર્ગ બન્યો નહી...!

જૂનાગઢ તા. 1
ચોમાસુ નજીક આવી ગયું છે પરંતુ મનપા તંત્રની ગુનાહિત બેદરકારીને કારણે જૂનાગઢ શહેરનાં એક પણ રસ્તા નવા બન્યા નહી જેને લઈને લોકોને ચોમાસામાં પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. 
જૂનાગઢ શહેરમાં ખરાબ રસ્તાની સમસ્યા છેલ્લા ઘણા વર્ષો થયા અણઉકેલ રહી છે. અનેકવાર રસ્તા બનાવવાના પ્લાનની જાહેરાત કરવામાં આવે છે. અને રસ્તાઓ માટે મોટી મોટી ગ્રાન્ટો ફાળવવામાં આવે છે તેમ છતાં શહેરનાં એકપણ રસ્તા સારા કહી શકાય તેવા નથી. જયાં જુઓ ત્યાં ભાંગફોડ, રસ્તા તોડવા, જુદી જુદી પાઈપ લાઈનો નાખવી અને તેના ખોદાણ બાદ જેમને તેમ રસ્તા અધુરા મુકી દેવા. તો કયાંક રસ્તાના અધુરા કામો એમને એમ પડતા મુકી દેવાને કારણે શહેરની જનતા રસ્તાના પ્રશ્ને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે. અને ચોમાસાના દિવસોમાં લોકોની મુશ્કેલીનો વધારો થવાની શકયતના જાેવાઈ રહી છે. ત્યારે સંબંધીત તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.
જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક સમય થયા એવું કહેવામાં આવે છે કે આ શહેરમાં રસ્તાઓ બનતા નથી અથવા તો બનાવવામાં આવતા નથી. પરંતુ જે રસ્તાઓ નવા બનાવી નાખવામાં આવ્યા હોય તેને શા માટે ફરી ફરીને તોડી નાખવામાં આવે છે? તેવા સવાલો આજે ચર્ચાનો વિષય બન્યા છે. કોઈપણ કામગીરી અંતર્ગત રસ્તા તોડવામાં આવતા હોય તે સામાન્ય બાબત છે. પરંતુ તોડી નાખેલા રસ્તા ફરી વ્યવસ્થિત રીતે રીપેર કરવા અથવા તો પેચવર્ક કરવું તે મનપા તંત્રની જવાબદારી છે. પરંતુ જૂનાગઢમાં મોટાભાગના રસ્તાઓ ખરાબ હાલતમાં તુટેલા, ખોદકામવાળાને કારણે શહેરભરમાં જયાં પણ ટ્રાફીકની અવર જવર અને નાના મોટા વાહનો પસાર થતા હોય ત્યાં ધુળની ડમરીઓ સતત ઉડતી રહે છે તેવી અનેક ફરીયાદો ઉઠવા પામી છે. શહેરનાં લોકોમાં એક પ્રશ્ન આજે ઉઠવા પામેલ છે કે મનપા તંત્ર શહેરમાં કયારે રસ્તા બનાવશે તે સળગતો સવાલ ઉઠવા પામ્યો છે. બીજી તરફ ચોમાસુ આવી રહયુ છે ત્યારે લોકોને રસ્તાને લઈને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે તે સ્થિતિ હવે દુર નથી તેવી પણ વ્યાપક ફરીયાદો રહેલી છે.