શ્રાદ્ધપક્ષમાં દ્વારકાના ગોમતી ઘાટે પિતૃતર્પણ માટે ભાવિકોનો ધસારો

પિંડદાન, તર્પણ અને ગોમતી સ્નાન માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા

શ્રાદ્ધપક્ષમાં દ્વારકાના ગોમતી ઘાટે પિતૃતર્પણ માટે ભાવિકોનો ધસારો

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા, તા.ર૯ 
પવિત્ર શ્રાદ્ધપક્ષના દિવસોમાં યાત્રાધામ દ્વારકામાં પિતૃતર્પણ માટે ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પોતાના પિતૃઓના આત્માની શાંતિ અને મોક્ષની પ્રાપ્તિની ભાવના સાથે દેશના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ ગોમતી ઘાટ પર સ્નાન, તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધવિધિ માટે ભાવિકોની અવરજવરથી ધામિર્ક માહોલ સર્જાયો છે. દ્વારકાની પવિત્ર ગોમતી નદીના કિનારે તીર્થ પુરોહિતો તથા ભૂદેવોના માર્ગદર્શન હેઠળ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પિતૃઓને તર્પણ અર્પણ કરવામાં આવી રહ્યું છે. ભાવિકો શ્રદ્ધાપૂર્વક પિંડદાન તથા શ્રાદ્ધવિધિ પૂર્ણ કર્યા બાદ જગતમંદિરમાં દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
પિંડતારક ક્ષેત્ર પિંડારા સાથે પાંડવયુગની જોડાયેલી માન્યતા
દ્વારકાથી આશરે ૪૫ કિમી દૂર અને કલ્યાણપુર તાલુકાની સરહદે આવેલું પિંડારા ગામ પૌરાણિક તથા ધામિર્ક દૃષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. રાણ પિંડારા તરીકે ઓળખાતા આ સ્થળને પિંડતારક ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ મહાભારતના યુદ્ધ બાદ ભગવાન શ્રીકૃષ્ણની ઈચ્છા અને ઋષિમુનિઓના માર્ગદર્શન હેઠળ પાંડવોએ અહીં ૧૦૮ લોખંડના પિંડ તાર્યા હતા. ત્યારથી આ સ્થળ પિંડતારક તરીકે ઓળખાતું થયું હોવાનું માનવામાં આવે છે. પિંડારા સાથે ભગવાન શ્રીકૃષ્ણ, રૂકિમણીજી અને મર્હષિ દુર્વાસા સાથે જોડાયેલી અનેક પૌરાણિક માન્યતાઓ પણ પ્રચલિત છે. અહીં સમુદ્રકાંઠે મર્હષિ દુર્વાસાના આશ્રમ સાથે સંકળાયેલા પ્રાચીન અવશેષો અને મંદિરોનો સમૂહ આવેલો છે. આ ઉપરાંત ગામના તળાવ કાંઠે આવેલું પ્રાચીન રાયણનું વૃક્ષ પણ સ્થાનિક લોકોમાં ધામિર્ક આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
ભાદરવી અમાસે દરિયામાં આવેલા ત્ર્યંબકેશ્વર કુંડના દર્શન માટે પણ યાત્રા
પિંડારા વિસ્તાર સાથે દરિયામાં આવેલા ત્ર્યંબકેશ્વર કુંડની પણ પૌરાણિક માન્યતા જોડાયેલી છે. કહેવાય છે કે દ્વારકા તથા પિંડારા વિસ્તારનો કેટલોક પ્રાચીન ભાગ સમયાંતરે સમુદ્રમાં સમાઈ ગયો હતો. દરિયાની અંદર આવેલા આ કુંડ સુધી વર્ષમાં માત્ર ભાદરવા માસની અમાસના દિવસે ઓટના સમયે જ પહોંચી શકાય છે. દરિયાઈ પરિસ્થિતિ અને સમયની મર્યાદાને કારણે આ યાત્રા પડકારજનક માનવામાં આવે છે. તેમ છતાં દર વર્ષે શ્રદ્ધાળુઓ સ્થાનિક વિસ્તારના જાણકારોની મદદથી ત્ર્યંબકેશ્વર કુંડના પ્રાચીન અવશેષોના દર્શન માટે પહોંચે છે. ઓટના સમયમાં થોડા સમય માટે જ કુંડ સુધી પહોંચવાનો માર્ગ ખુલતો હોવાથી દર્શન કર્યા બાદ ભાવિકો પરત ફરી જાય છે.
દ્વારકા અને પિંડારામાં શ્રાદ્ધવિધિનું આગવું ધામિર્ક મહત્ત્વ
હિન્દુ ધર્મની પરંપરા મુજબ પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કરવામાં આવતી ધામિર્ક વિધિને શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. ભાદરવા સુદ પૂણિર્માથી શરૂ થતો શ્રાદ્ધપક્ષ ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન પિતૃઓના સ્મરણ સાથે તર્પણ, પિંડદાન, જલદાન અને અન્નદાન સહિતની વિવિધ ધામિર્ક વિધિઓ કરવામાં આવે છે. દ્વારકાના ગોમતી ઘાટ તેમજ પિંડતારક ક્ષેત્ર પિંડારામાં શ્રાદ્ધવિધિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પિતૃઋણની પરંપરાગત માન્યતા અનુસાર પિતૃઓના સ્મરણાર્થે કરવામાં આવતી આ વિધિઓ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણ ભોજન, અન્નદાન, જલદાન તેમજ અન્ય ધામિર્ક કાર્યો કરવાની પરંપરા પણ જોવા મળે છે.
શ્રાદ્ધવિધિમાં કાગડાને ભોજન કરાવવાની પરંપરાને પણ ધામિર્ક રીતે મહત્વ આપવામાં આવે છે. જેને વાયસબલી તરીકે ઓળખવામાં આવે છે. પિતૃઓના નિમિત્તે કરવામાં આવતી વિવિધ વિધિઓમાં આ પરંપરાનો પણ સમાવેશ થાય છે. પરંપરાગત રીતે દ્વારકાના સ્થાનિક લોકો ગોમતી ઘાટ ખાતે પિતૃઓના શ્રાદ્ધ અને પિંડદાનની વિધિ કરાવતા આવ્યા છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં દ્વારકાની ધામિર્ક યાત્રાએ આવતા બહારગામના ભાવિકોમાં પણ અહીં પિતૃતર્પણ અને શ્રાદ્ધવિધિ કરાવવાનો રસ વધ્યો હોવાનું જોવા મળે છે. ખાસ કરીને ચૈત્ર, ભાદરવા અને કારતક માસ દરમિયાન પિતૃઓના નિમિત્તે ધામિર્ક વિધિઓ કરાવવા માટે ભાવિકો દ્વારકા અને પિંડારા તરફ આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન ગોમતી ઘાટ પર ભાવિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. આમ, એક તરફ ગોમતી ઘાટ પર પિતૃતર્પણ માટે ઉમટતા શ્રદ્ધાળુઓ અને બીજી તરફ પિંડતારક ક્ષેત્ર પિંડારાની પૌરાણિક આસ્થા સાથે શ્રાદ્ધપક્ષ દરમિયાન સમગ્ર દ્વારકા પંથકમાં ધામિર્ક માહોલ જોવા મળી રહ્યો છે.