શહેરમાંથી રેલ્વે ફાટક દૂર કરવાની દિશામાં નવા પ્રકરણની શરૂઆતને પગલે વિકસીત જૂનાગઢ ફાટક મુકત જૂનાગઢનાં નારા સાથે ભાજપ દ્વારા આતશબાજી સાથે ખુશી મનાવાઈ
ભાજપે જનતાને આપેલુ ‘ફાટક મુકત જૂનાગઢ’નું વચન આજે પૂર્ણ થયું છે : ગૌરવ રૂપારેલીયા
જૂનાગઢ તા. 27
જૂનાગઢ શહેરને હવે નજીકના જ દિવસોમાં રેલ્વે ફાટકોની જટીલ સમસ્યામાંથી મુકિત મળવાની છે. ગઈકાલે જ રેલ્વે બોર્ડ દ્વારા ગ્રોફેડ ખાતે મીટર ગેજ રેલ્વે સ્ટેશનને સત્તાવાર રીતે મંજુરી આપવાના પગલે સર્વત્ર ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. જૂનાગઢ શહેરમાં ભાજપ દ્વારા ગઈકાલે ફટાકડાની આતશબાજી કરી અને મ્હો મીઠુ કરાવી અને ઉજવણી કરવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ ભાજપના મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાના અધ્યક્ષસ્થાને ઝાંસીની રાણીની પ્રતિમા પાસે આતશબાજી અને મોં મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન “વિકસિત જુનાગઢ” અને “ફાટકમુક્ત જૂનાગઢ”ના નારા સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે “ફાટકમુક્ત જુનાગઢ” માત્ર એક વિકાસ યોજના નહોતી પરંતુ વર્ષોથી જૂનાગઢના લાખો નાગરિકોના દિલમાં રહેલું એક સપનું, એક લાગણી અને એક સંકલ્પ હતો. આજે રેલવે બોર્ડ દ્વારા ગ્રોફેડ નજીક નવા મીટરગેજ રેલ્વે સ્ટેશનને મંજૂરી મળતા આ સ્વપ્નન સાકાર થવાની દિશામાં આગળ વધ્યું છે જે સમગ્ર જૂનાગઢ માટે ઐતિહાસિક ક્ષણ બની છે. તેમણે જણાવ્યું હતું કે આ કાર્ય પાછળ વર્ષોની મહેનત, સંઘર્ષ અને અનેક આગેવાનોનું યોગદાન જોડાયેલું છે. પૂર્વ આરોગ્ય મંત્રી સ્વ. હેમાબેન આચાર્ય, પૂર્વ સાંસદ સ્વ. મોહનભાઈ પટેલ, પૂર્વ સાંસદ ભાવનાબેન ચીખલિયા, જુનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ તેમજ રેલવે આંદોલન સમિતિએ સતત પ્રયત્નો અને રજૂઆતો કરી આ અભિયાનને મજબૂત બનાવ્યું હતું.
ગૌરવભાઈ રૂપારેલિયાએ વધુમાં જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢની જનતાને આપેલું “ફાટકમુક્ત જુનાગઢ”નું વચન આજે પૂર્ણ કર્યું છે. આ ર્નિણય માત્ર ટ્રાફિક સમસ્યાનો ઉકેલ નથી પરંતુ શહેરના વિકાસ, સુરક્ષા અને સુવિધાના નવા યુગની શરૂઆત છે. તેમણે સમગ્ર જૂનાગઢની જનતાને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ જીત કોઈ એક વ્યક્તિ કે પક્ષની નથી પરંતુ સમગ્ર શહેરની સામૂહિક જીત છે. “વિકસિત અને ફાટકમુક્ત જૂનાગઢ” હવે સપનું નહીં પરંતુ હકીકત બનવા જઈ રહ્યું છે. આ હર્ષોલ્લાસ સાથે યોજાયેલ કાર્યક્રમમાં શહેરના આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ર્નિણયને વધાવ્યો હતો.
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, મેયર ધર્મેશ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, શાસક પક્ષ નેતા મનન અભાણી, દંડક કલ્પેશ અજવાણી, પ્રદેશ આગેવાન પ્રદીપભાઈ ખીમાણી, ર્નિભયભાઈ પુરોહિત, જે.કે. ચાવડા, મહાનગર સંગઠન મહામંત્રી વિનુભાઈ ચાંદેગ્રા, જયેશ ધોરાજીયા, મિલન ભટ્ટ સહિત ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર ટીમ, વિવિધ વોર્ડના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, મહિલા મોરચાની બહેનો, કોર્પોરેટરશ્રીઓ, યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ બહોળી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મિડિયા વિભાગમાંથી સુરેશ પાનસુરિયા અને દિલીપભાઈ ડઢાણિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રેલવે બોર્ડનો આ ર્નિણય માત્ર એક રેલવે પ્રોજેક્ટ નથી પરંતુ જૂનાગઢ શહેરના વિકાસ, સુવિધા અને ભવિષ્ય સાથે જોડાયેલું એક મહત્વપૂર્ણ પગલું છે. “ફાટકમુક્ત જૂનાગઢ”નું સ્વપ્ન હવે સાકાર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે, જે શહેરના વિકાસ ઈતિહાસમાં એક યાદગાર અધ્યાય સાબિત થશે.



