સ્થાનકવાસી જૈન સમાજ જુનાગઢ દ્વારા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખશ્રી મનસુખ વાજાનું શ્રેષ્ઠ માનવસેવા બદલ સન્માન કરાયું
જૂનાગઢ તા.૧૭
જૂનાગઢના સેવાભાવી અને પરોપકારી કાર્ય માટે સતત કાર્યરત સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજાનું શ્રેષ્ઠ માનવસેવાના કાર્ય બદલ સ્થાનકવાસી જૈન સમાજ, જુનાગઢ દ્વારા ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. પર્યુષણ પર્વના સાતમા દિવસે મહેતા નિદાન કેન્દ્ર, ઉપરકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધીરતાબાઈ આદિઠાણા-૨૦૨૬ના ચાતુર્માસ નિમિત્તે મનસુખભાઈ વાજાના સેવાકીય કાર્યોને બિરદાવી તેમને સાલ, મોમેન્ટો તેમજ માળા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રો. શ્રી દામાણી, સ્થાનકવાસી જૈન સમાજના પ્રમુખ શ્રી હિતેશભાઈ સંઘવી, શ્રી ધર્મેન્દ્રભાઈ મોદી, શ્રી કમલેશભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મનસુખભાઈ વાજા દ્વારા વર્ષોથી કરવામાં આવતી માનવસેવા, જરૂરિયાતમંદોની મદદ અને સમાજના વંચિત વર્ગો માટેના સેવાકીય પ્રયાસો ખરેખર “સેવા એ જ પરમ ધર્મ” ની ભાવનાને સાકાર કરે છે. આવા સેવાભાવી વ્યક્તિનું સન્માન માત્ર એક વ્યક્તિનું સન્માન નથી, પરંતુ સમગ્ર માનવસેવાની ભાવનાનું સન્માન છે. વિશેષમાં, સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ગાંધીગ્રામ વિસ્તારમાં દાનમાં પ્રાપ્ત થયેલી ૫૦૦ વારની જગ્યામાં અંધ દીકરીઓ તેમજ અંધ માતાઓ માટે ત્રણ માળના ભવનનું બાંધકામ હાલ પ્રગતિ હેઠળ છે. આ ભગીરથ સેવાયજ્ઞમાં સહયોગરૂપે શ્રી કે. બી. સંઘવી – રૂા.૨,૫૧,૦૦૦, શ્રીમતી સુશીલાબેન સી. શાહ – રૂા.૫૧,૦૦૦, શ્રી કિર્તીભાઇ ગોસલિયા - રૂા.૨,૫૧,૦૦૦, શ્રી બાળા બેન દોશી - રૂા.૨,૫૧,૦૦૦ની સહાય જાહેર કરવામાં આવી હતી. આ સેવાકાર્ય માત્ર એક ભવનનું નિર્માણ નથી, પરંતુ જરૂરિયાતમંદ અંધ માતાઓ અને દીકરીઓના જીવનમાં આશા, આર્ત્મનિભરતા અને સુરક્ષાનું નવું ઘર ઊભું કરવાનો પવિત્ર પ્રયાસ છે. આવા સેવાકાર્યોમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.


