સોના-ચાંદીના ભાવો બેકાબુ : તેજીનું વાવાઝોડુ સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂા.૧,૩૦,૭પ૦
ચાંદીનો ભાવ ૧ કિલોના રૂા.૧,૯૧,૭૦૦ : છેલ્લા ૧૦ મહિનામાં ચાંદીના ભાવમાં રૂા.૯૦ હજાર, સોનામાં રૂા.પ૦,૦૦૦નો વધારો થયો
(એજન્સી) મુંબઈ તા.૧૪
સોના-ચાંદીમાં ભાવો બેકાબુ બન્યા હોય અને અવિરત તેજીનું વાવાઝોડુ હોય તેમ ભાવમાં આજે પણ ધરખમ ઉછાળો નોંધાયો છે. ચાંદી સડસડાટ બે લાખના સ્તરે પહોંચવા લાગી હોય તેવુ ચિત્ર છે જયારે સોનું ૧.૩૦ લાખની સપાટીને પાર પહોંચી ગયું છે.
વિશ્વ સ્તરે સોના-ચાંદીનાં ભાવ સતત સળગતા હોય તેમ આજે વધૂ ઉછાળો હતો.રાજકોટમાં આજે સવારે હાજર સોનું ૧.૩૦,૭૬૦ થયુ હતું ૨૦૦૦ રૂપિયાથી અધિકનો ઉછાળો હતો. કોમોડીટી એકસચેંજમાં ૧૨૬૬૪૦ તથા વિશ્વ બજારમાં ૪૧૬૪ ડોલરના રેકોર્ડસ્તરે પહોંચ્યુ હતું.
ચાંદીની તેજી તો સોનાથી પણ ધરખમ હતી. રાજકોટમાં હાજર ચાંદી ૬૬૦૦ રૂપિયાના ઉછાળા સાથે ૧૯૧૪૦૦ હતી. કોમોડીટી એકસચેંજમાં ભાવ ૧૬૧૩૪૦ તથા વિશ્વબજારમાં ૫૩.૧૬ ડોલર હતી. કોમોડીટી એકસચેંજનાં વાયદા તથા હાજર ચાંદી વચ્ચેનો ભાવ તફાવત ચાંદીમાં ૩૦,૦૦૦ પર પહોંચ્યો હતો.જયારે સોનામાં ૨૦૦૦ હતો.
જાન્યુઆરીથી માત્ર ૧૦ મહિનામાં ચાંદીના ભાવ રૂા.૮૯,૩૦૦ વધ્યા છે, જે રૂા.૧,૭૯,૦૦૦ પ્રતિ કિલોગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ, તે રૂા.૮૯,૭૦૦ પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું.


