સરકારે ઈમ્પોર્ટ ડયુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી નાખી : ગત મધ્યરાત્રીથી અમલ
સોનામાં રૂા.10,000 - ચાંદીમાં રૂા.18,000નો ઉછાળો
(એજન્સી) નવી દિલ્હી, તા.13
કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની આયાત પર લાગતી ડ્યુટી 6 ટકા થી વધારીને 15 ટકા કરી દીધી છે. બુધવારે જારી કરાયેલા આ આદેશ બાદ આજે એટલે કે 13 મેના રોજ વાયદા બજાર એટલે કે MCX પર સોનું 10 હજાર અને ચાંદી 18 હજાર રૂપિયા મોંઘી થઈ ગઈ છે.
10 ગ્રામ સોનાનો ભાવ 1.63 લાખ રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 2.97 લાખ રૂપિયા પર પહોંચી ગયો છે. સરકારનો હેતુ વિદેશી ખરીદી ઘટાડવાનો અને દેશના વિદેશી મુદ્રા ભંડાર પર પડી રહેલા દબાણને ઓછું કરવાનો છે. અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે સરકારે આ ર્નિણય લીધો છે.
સરકારે સોના પર 10 ટકા બેઝિક કસ્ટમ ડ્યુટી અને ૫ ટકા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) લગાવ્યો છે. આ રીતે કુલ અસરકારક ટેક્સ 15 ટકા થઈ ગયો છે. આ પહેલા 2024ના બજેટમાં નાણામંત્રી સીતારમણે ઇમ્પોર્ટ ડ્યુટી 15 ટકા થી ઘટાડીને ૬ ટકા કરી હતી.
સોના પરની કુલ આયાત ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી. સોના પરની બેઝિક કસ્ટમ ડ્યુટી 5 ટકા થી વધારીને 10 ટકા કરવામાં આવી. સોના પર એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) 1 ટકા થી વધારીને 5 ટકા કરવામાં આવ્યો. આ ઉપરાંત, UAE થી નિર્ધારિત માત્રામાં ક્વોટા હેઠળ આવતા સોના પર પણ આયાત ડ્યુટી વધારવામાં આવી. UAE થી નિર્ધારિત માત્રામાં ક્વોટા હેઠળ રાહત દરે આયાત ડ્યુટી લાગતી હતી.


