સૌરાષ્ટ્ર-કચ્છમાં કાતિલ શીતલહેર : જનજીવન ઠુંઠવાયું : પાંચ ડીગ્રી સાથે નલીયા સૌથી ઠંડુ શહેર
(એજન્સી) રાજકોટ તા.૨૪
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણ પલ્ટાયુ છે અને ઉતર ભારતમાં ભારે હિમવર્ષાનાં પગલે ગુજરાતમાં ફરી સુસવાટા મારતા બર્ફીલા પવનોએ આક્રમણ શરૂ કર્યું છે. સાથોસાથ સવારનું તાપમાન પણ ૨થી ૫ ડીગ્રી સુધી નીચે ઉતરી જતા લોકો ગાત્રો થીજાવતી ઠંડી અનુભવી રહ્યા છે.
આજે સવારથી શિતલહેર સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીએ સપાટો બોલાવી દીધો છે અને રાજકોટ, નલિયા, અમરેલી, ડિસા અને ભુજમાં સિંગલ ડીઝીટ તાપમાન નોંધાયુ હતું.
આજે પણ સૌથી વધુ ઠંડી નલિયા ખાતે ૫ાંચ ડીગ્રી નોંધાઈ હતી. આથી નલિયાવાસીઓ થીજી ગયા હતા. જયારે રાજકોટમાં પણ સવારથી જ ૬ કી.મી.ની ઝડપે ઠંડા પવનો સાથે લઘુતમ તાપમાન ૯.૫ ડિગ્રી થઈ જતા નગરજનો ધ્રુજી ઉઠયા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ૨૪ કલાકમાં જ ૫ાંચ ડીગ્રી તાપમાન નીચુ ઉતરી ગયું હતું.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં જાણે કાશ્મીર પહોંચી ગયા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતથી લઈને કચ્છ-સૌરાષ્ટ્ર સુધી હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં ૩થી ૭ ડિગ્રી સેલ્સિયસ સુધીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને કચ્છના નલિયામાં પારો ગગડીને ૫ાંચ ડિગ્રી પર પહોંચી જતા સિઝનનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે. તેમજ અમરેલીમાં ૯.૪, ભુજમાં ૯.૮ અને ડિસામાં ૮.૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. વધુમાં સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ પોરબંદરમાં ૧૦.૨, વેરાવળમાં ૧૪.૩, અમદાવાદમાં ૧૨.૫, વડોદરામાં ૧૨.૮, દમણમાં ૧૬.૨ દિવમાં ૧૫, દ્વારકામાં ૧૨.૨ તથા ગાંધીનગરમાં ૧૧, કંડલામાં ૧૨ તથા ઓખામાં ૧૫.૮ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.


