સાસણ ગીરમાં ગૂંજશે વન્યજીવ સંરક્ષણનો વૈશ્વિક સ્વર
‘ઈન્ટરનેશનલ બીગ કેટ સમીટ-2026’ની કર્ટેન રાયઝર ઈવેન્ટ આવતીકાલથી શરૂ, દેશ-વિદેશના નિષ્ણાતો કરશે મંથન
જૂનાગઢ તા.12
એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા સાસણ ગીરમાં આવતીકાલથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રની ઐતિહાસિક ઈવેન્ટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભારત સરકાર અને ગુજરાત વન વિભાગના સંયુક્ત આયોજન હેઠળ 13 અને 14 મે દરમિયાન ‘ઈન્ટરનેશનલ બીગ કેટ સમીટ-2026’ અંતર્ગત કર્ટેન રાયઝર ઈવેન્ટ યોજાશે.
આ આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં કેન્દ્રીય વન મંત્રી, રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત વિવિધ દેશોના વન્યજીવ નિષ્ણાતો અને પ્રતિનિધિઓ હાજરી આપશે. સમીટનો મુખ્ય ઉદ્દેશ્ય એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે વૈશ્વિક સ્તરે અસરકારક વ્યૂહરચના તૈયાર કરવાનો છે. સાથે જ ગીરના સફળ સિંહ સંરક્ષણ મોડલને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે.
મેગા ઈવેન્ટને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું છે. ગાંધીનગર સ્થિત હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડૉ. જયપાલ સિંઘના માર્ગદર્શન હેઠળ સુરક્ષા, પ્રોટોકોલ, મહેમાન વ્યવસ્થા અને કાર્યક્રમ સંચાલન માટે કુલ 26 સમિતિઓની રચના કરવામાં આવી છે.
બે દિવસીય કાર્યક્રમ દરમિયાન સિંહોના રહેઠાણ, આરોગ્ય, ખોરાક અને પર્યાવરણીય પડકારો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત ‘બીગ કેટ’ પરિવારના સંરક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગ અને લોકભાગીદારી વધારવા જેવા વિષયો પર પણ વિચારવિમર્શ થશે.
વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ છેલ્લા કેટલાક દિવસોથી સાસણ ગીરમાં સતત તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. આ સમીટથી ગીર પ્રવાસનને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળશે તેમજ સિંહ સંરક્ષણ પ્રત્યે ગુજરાતની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનશે.


