‘હનુ-માન ૨’માં મોટો ફેરફાર, તેજા સજ્જાના સ્થાને વૈષ્ણવ તેજ મુખ્ય ભૂમિકામાં

‘હનુ-માન ૨: ધ રાઇઝ ઓફ વાનર્સ’નું દિગ્દર્શન વી. આનંદ સંભાળશે, નવી સ્ટારકાસ્ટ સાથે પેન-ઇન્ડિયા ફિલ્મ બનાવવાની તૈયારી

‘હનુ-માન ૨’માં મોટો ફેરફાર, તેજા સજ્જાના સ્થાને વૈષ્ણવ તેજ મુખ્ય ભૂમિકામાં

મુંબઈ તા.24
વર્ષ ૨૦૨૪માં રિલીઝ થયેલી સુપરહીરો ફિલ્મ ‘હનુ-માન’ની સફળતા બાદ હવે તેની સિક્વલ ‘હનુ-માન ૨: ધ રાઇઝ ઓફ વાનર્સ’ને લઈને નવી જાહેરાત સામે આવી છે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા અને દિગ્દર્શક બંનેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉની ફિલ્મમાં હનુમાનનું પાત્ર ભજવનાર તેજા સજ્જાના સ્થાને હવે વૈષ્ણવ તેજ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી વી. આનંદ સંભાળશે.
પ્રશાંત વર્માના સિનેમેટિક યુનિવર્સ સાથે જોડાયેલી આ ફિલ્મના ફર્સ્ટ લૂક પોસ્ટરમાં ભગવાન હનુમાનની વિશાળ આકૃતિ સાથે એક રહસ્યમય અને કાલ્પનિક દુનિયાની ઝલક રજૂ કરવામાં આવી છે. પોસ્ટર સામે આવ્યા બાદ ફિલ્મના નવા અવતાર અને કલાકારોને લઈને દર્શકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. પૌરાણિક કથાઓ અને સુપરહીરોની દુનિયાને જોડતી આ ફિલ્મને મોટા સ્તરે તૈયાર કરવાની યોજના છે.
ફિલ્મમાં વૈષ્ણવ તેજ ઉપરાંત વિનય રાય, વેનેલા કિશોર અને સમુથિરકાની જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને તેલુગુની સાથે હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ કરવાની યોજના છે. આમ, તેને પેન-ઇન્ડિયા સ્તરે દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
બીજી તરફ, પ્રશાંત વર્મા પોતાના સિનેમેટિક યુનિવર્સમાં અન્ય પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યા છે. તેઓ ઋષભ શેટ્ટી સાથે ‘જય હનુમાન’ ફિલ્મ સાથે જોડાયેલા છે. ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત ફિલ્મો પ્રત્યે દર્શકોની વધતી રુચિ વચ્ચે ‘હનુ-માન ૨’ની નવી કાસ્ટ અને દિગ્દર્શકની જાહેરાતે ફિલ્મપ્રેમીઓમાં ચર્ચા જગાવી છે.