AI અને ફેક તસવીરોના દુરુપયોગ પર બોમ્બે હાઈકોર્ટનો કડક આદેશ, અનન્યા પાંડેને રાહત
અભિનેત્રીની પરવાનગી વિના તસવીરોનો પ્રચારમાં ઉપયોગ અને AIથી બનાવેલા નકલી કન્ટેન્ટ સામે કાર્યવાહી; વાંધાજનક સામગ્રી તાત્કાલિક હટાવવાનો નિર્દેશ
મુંબઈ તા.6
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેને AI દ્વારા બનાવવામાં આવેલી નકલી તસવીરો અને વીડિયો સહિત તેમની ઓળખના દુરુપયોગના મામલે બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. અભિનેત્રીની પ્રાઈવસી, ઓળખ અને પર્સનાલિટી રાઈટ્સનું રક્ષણ કરતાં કોર્ટે તેમની સાથે સંબંધિત વાંધાજનક કન્ટેન્ટ તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર કોઈની તસવીર કે ઓળખનો પરવાનગી વિના મનસ્વી ઉપયોગ કરનારાઓ સામે કાનૂની કાર્યવાહીનો માર્ગ વધુ સ્પષ્ટ થયો છે.
અનન્યા પાંડેએ પોતાની તસવીરો અને ઓળખના ખોટા ઉપયોગને રોકવા માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમની ફરિયાદ મુજબ, કેટલીક કંપનીઓ તેમની પરવાનગી લીધા વિના પોતાની પ્રોડક્ટ્સના પ્રચાર અને પ્રમોશન માટે તેમની તસવીરોનો ઉપયોગ કરી રહી હતી. આ ઉપરાંત, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIની મદદથી તેમની નકલી તસવીરો અને વીડિયો પણ બનાવવામાં આવી રહ્યા હતા. અભિનેત્રીએ આવા લોકો અને કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.
‘લાઈવ લો ઈન્ડિયા’ના અહેવાલ મુજબ, જસ્ટિસ માવ જામદારે વચગાળાના આદેશમાં જણાવ્યું હતું કે આ પ્રકારનું કન્ટેન્ટ અનન્યા પાંડેની પ્રાઈવસી, વ્યક્તિગત ઓળખ અને સન્માનને નુકસાન પહોંચાડી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કોર્ટે વાંધાજનક સામગ્રી દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.
પોતાના નામ, ચહેરા, અવાજ અને તસવીરોના ખોટા ઉપયોગ સામે કાનૂની રક્ષણ મેળવવા માટે કોર્ટનો સંપર્ક કરનાર અનન્યા પાંડે પ્રથમ બોલિવૂડ સેલિબ્રિટી નથી. આ પહેલાં સલમાન ખાન, અનિલ કપૂર, જેકી શ્રોફ, ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, કરણ જોહર, નાગાર્જુન, અરિજિત સિંહ અને કુમાર સાનૂ સહિતના કલાકારો પણ પોતાની ઓળખ અને પર્સનાલિટી રાઈટ્સના રક્ષણ માટે કોર્ટના શરણે જઈ ચૂક્યા છે.
તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે અભિનેત્રી કૃતિ સેનનને પણ રાહત આપી હતી. કોર્ટે તેની અશ્લીલ ડીપફેક તસવીરો, નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને તેની ઓળખનો ખોટો ઉપયોગ કરતા AI ચેટબોટ્સ સામે મર્યાદિત વચગાળાનું રક્ષણ આપ્યું હતું. 29 ઓક્ટોબર, 2026ના રોજ આપવામાં આવેલા આદેશમાં કેટલીક ચોક્કસ લિંક્સ અને કન્ટેન્ટ દૂર કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સમાચાર, ફિલ્મ સમીક્ષા, ટિપ્પણી, વ્યંગ્ય અને ચાહકો દ્વારા બનાવવામાં આવતા કન્ટેન્ટ પર આ આદેશથી પ્રતિબંધ લાગશે નહીં. AIના વધતા ઉપયોગ વચ્ચે સેલિબ્રિટીઓની ઓળખ અને વ્યક્તિગત અધિકારોના રક્ષણનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.


