ખંભાળિયા : "આપ"ના કાર્યકરોનું પોલીસ મથકમાં હુલ્લડ

આપના પ્રદેશ પ્રમુખ સહિત ૩૫ સામે રાયોટીંગ સહિતનો ગુનો : ભારે ચકચાર

ખંભાળિયા : "આપ"ના કાર્યકરોનું પોલીસ મથકમાં હુલ્લડ

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.ર
ખંભાળિયામાં મંગળવારે બે વાહન અકસ્માત બાદ એક આરોપી દ્વારા માથાકૂટ કરીને બે યુવાનોને માર મારવા તેમજ સોનાના ચેનની લૂંટ ચલાવવા સબબ પરપ્રાંતિય શખ્સ સામે નોંધાયેલી ફરિયાદ બાદ ગઈકાલે બુધવારે આ આરોપી દ્વારા અગાઉના ફરિયાદી સામે ગુનો નોધવા બાબત સંદર્ભે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિતના કાર્યકરોએ ખંભાળિયા પોલીસ મથકમાં બઘડાટી બોલાવી, પોલીસ સામે અણછાજતું વર્તન કરવા સબબ રાયોટીંગ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે. 
 આ સમગ્ર બનાવ સંદર્ભે ખંભાળિયાના પી.એસ.આઈ. યુ.કે. જાદવ દ્વારા ફરિયાદી બની, અને ઈસુદાન ગઢવી સહિતના અઢાર વ્યક્તિઓ સામે નામ જોગ તેમજ ૧૨ થી ૧૫ જેટલા અજાણ્યા શખ્સો સામે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પોલીસે ૧૮ આરોપીઓની અટકાયત કરી લીધી છે. ત્યારે અજાણ્યા શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ બનતા અહીંના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા ખંભાળિયા પોલીસ મથકમાં દોડી ગયા હતા અને એલસીબી, એસઓજી, સ્થાનિક સહિતના પોલીસ અધિકારીઓ તેમજ તેમની ટીમને સાથે રાખીને આરોપીઓની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.  મંગળવારના ગુનાનો મુખ્ય આરોપી એવો દિપક મૂળ બિહારનો રહેવાસી હોવાનું તથા તેની સામે રાયોટીંગ, છેડતી સહિતના ત્રણ જેટલા ગુનાઓ નોંધાયાનું પણ જાણવા મળ્યું છે.  આ આરોપીને પોલીસ દ્વારા બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે આગળની તપાસ અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર બનાવે ખંભાળિયા પંથક સાથે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.