ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારી
જૂનાગઢ તા. ર૮
જૂનાગઢ શહેરનાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા આગામી નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. આ વર્ષે ગાંધીગ્રામ ગરબી મંડળ ર૬માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. નવરાત્રી મહોત્સવ દરમ્યાન દર વર્ષે માતાજીનાં છંદ, દુહા, ગરબાની રમઝટ સાથે બાળાઓ માતાજીનાં ગરબા લે છે. અને આ રાસ ગરબા જાેવા ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ગાંધીગ્રામ વિસ્તારનાં રહેવાસીઓ તેમજ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં સાથ સહકાર સાથે નવરાત્રી મહોત્સવની દર વર્ષે ભાવપૂર્વક ઉજવણી થાય છે. નવરાત્રી મહોત્સવ દરમ્યાન ગાંધીગ્રામ ગરબી મંડળનાં ગાયક કલાકાર મુકેશભાઈ બારોટ, પુનમબેન રાઠોડ, રસીકભાઈ બગથરીયા તેમજ પુનમભાઈ બારોટ સેવાઓ આપે છે.
ઉપરાંત નવરાત્રી મહોત્સવ દરમ્યાન જૂનાગઢનાં જાણીતા લોક સાહીત્યકાર, કલાકારો ભીખુદાનભાઈ ગઢવી, રાજભા ગઢવી, અમુદાનભાઈ ગઢવી, લાખણસિંહભાઈ ગઢવી, જીતુભાઈ દાદ, વિક્રમભાઈ ગઢવી, રાજુભાઈ ભટ્ટ, દિપકભાઈ જાેષી, રામદાસ ગોંડલીયા, પદમશ્રી હાજી રમકડુ સહીતનાં કલાકારો સેવા આપે છે. ઉપરાંત પદમશ્રી સ્વ. દિવાળીબેન ભીલ, તેમજ જાણીતા કલાકાર સ્વ. પ્રાણલાલભાઈ વ્યાસ તેમજ સ્વ. હર્ષદભાઈ રાવલ સહીતનાં વરીષ્ઠ કલાકારોએ પણ ગાંધીગ્રામ ગરબી મંડળમાં નવરાત્રી મહોત્સવમાં માતાજીનાં દુહા, છંદ, રાસની રમઝટ બોલાવી અને માતાજીનાં ચરણોમાં સેવા આપી છે. તે સર્વે કલાકારોનો પણ ગાંધીગ્રામ મંડળ દ્વારા આભારની લાગણી વ્યકત કરવામાં આવી છે. આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવની ભાવભેર ઉજવણી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અને બાળાઓનાં રાસ ગરબાની પ્રેકટીસ કરાવવામાં આવી રહી છે. ગાંધીગ્રામ ગરબી મંડળનાં વીરાભાઈ મોરી, નાથાભાઈ આહિર, ડાયાભાઈ મોરી સહીતનાં કાર્યકર્તા ભારે જહેમત ઉઠાવી રહયા છે.


