ભારતની તાકાત અન્ય લોકોને સક્ષમ બનાવવામાં છે, જાેડવા અને જાેડાવા પર ભાર મુકે છે : વડાપ્રધાન
નવી દિલ્હી તા.૧૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે સસ્તી દવાઓથી લઈને પ્રતિભા સુધી, દુનિયા ભારત પર વિશ્વાસ કરે છે. ભારતે દુનિયાને શૂન્ય આપ્યું, પરંતુ ક્યારેય તેનો શ્રેય કે રોયલ્ટી માંગી નથી.
દિલ્હીમાં પ્રથમ વખત યોજાઈ રહેલા બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમમાં વડાપ્રધાન મોદીએ આજે ૨૫ મિનિટનું ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારતની તાકાત અન્ય લોકોને સક્ષમ બનાવવામાં છે.
તેમણે ડિજિટલ ટેકનોલોજી, રસીનો પુરવઠો, આર્થિક સુધારાઓ અને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં ભારતની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું, ભારતનો ૭.૮ ટકા વૃદ્ધિદર રહ્યો છે. આજે આપણું વિદેશી મુદ્રા ભંડાર ૭૦૦ અબજ ડૉલરથી વધુ છે. ભારતનો આત્મવિશ્વાસ ઊંચાઈ પર છે. અમે દેવાળિયાપણાનો કાયદો બનાવ્યો છે. વ્યવસાય સાથે જોડાયેલી નાની-મોટી ભૂલોને ડિક્રિમિનલાઇઝ કરી છે. સુધારા અમારો સંકલ્પ છે.
વેદોએ આપણને મંત્ર આપ્યો હતો- ચાલો સાથે ચાલીએ, ચાલો સાથે આગળ વધીએ, ચાલો સાથે પ્રયાસ કરીએ. સંવાદથી સમજ વધે છે. શક્તિને માત્ર પોતાના માટે જ નહીં રાખવી, તેનાથી અન્ય લોકો માટે પણ તકો ઊભી કરવી જરૂરી છે.
પીએમએ કહ્યું- ઇતિહાસમાં અનેક વૈશ્વિક સંગઠનો બન્યા છે. તેમના પોતાના-પોતાના હિતો રહ્યા છે. અમે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ, લાઇફસ્ટાઇલ ફોર એન્વાયર્નમેન્ટ જેવા પહેલ હાથ ધરી છે. ભારત કયા વિચારોને લઈને સામે આવ્યું છે, તે સૌની સામે છે. ભારત જોડવા અને જોડાવા પર ભાર મૂકે છે. પાવર બીજાઓને એમ્પાવર કરવા માટે જ છે. ભારત રિલાયબિલિટી અને સ્ટેબિલિટીની વાત કરે છે.


