રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બબ્બર ખાલસા ખાલીસ્તાની ગૃપના નામે ઈમેઈલ મોકલાયો
વાડીનાર બંદરથી નાયરા રિફાઈનરી, સીકકા બંદરથી જામનગર સુધી ડ્રોન ધમાકા થશે : મહાત્મા મંદિર ખાતે પણ આઈફોન બેટરી દ્વારા બોમ્બ વિસ્ફોટ કરવાની ઈમેઈલમાં ધમકી
(બ્યુરો) રાજકોટ, તા.૧૫
બબ્બર ખાલસાના ખાલિસ્તાની ગ્રુપના નામે રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ મેઈલ મળતા ખળભળાટ મચી ગયો છે. સવારે ૧૦:૦૩ વાગ્યે ઈ-મેઈલ આવ્યો હતો. જેની તપાસ શરૂ કરાઈ છે.
આ વખતે કોર્ટના ઓફિસિયલ ઈ-મેઈલ એડ્રેસ સાથે રાજકોટ બાર એસો.ના ઈ-મેઈલ એડ્રેસ ઉપર પણ આ મેઈલ મળતા કોર્ટ પરિસર ખાતે પોલીસની ટુકડીઓ દોડી ગઈ છે. કોર્ટની કામગીરી શરૂ થાય એ પહેલા જ આ મેઈલ મળ્યો હતો.
આ મેઈલમાં વાડીનાર પોર્ટથી નયારા રીફાઈનરી અને સિક્કા પોર્ટથી જામનગર સુધી ડ્રોન હુમલાની પણ ધમકી અપાઈ છે. જેથી માહિતી સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરાતા એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે. આ ઉપરાંત ઈ-મેઈલમાં મહાત્મા મંદિર ખાતે આઈફોન બેટરીથી બોમ્બ બ્લાસ્ટ કરવાની પણ ધમકી અપાઈ છે.
વર્તમાન સમયમાં સ્કૂલ, કોર્ટ વગેરે સ્થાનોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યાં મેઈલ આવતા રહે છે. ટીખળખોરોનું કારસ્તાન અગાઉ પણ ઝડપાયું હતું. ત્યારે હવે ફરી એક વાર આજે સવારે રાજકોટની કોર્ટને ડ્રોન હુમલો કરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. આ ઈમેલ આજે સવારે ૧૦:૦૩ મિનિટે રાજકોટ ડિસ્ટ્રીક કોર્ટના ઓફિસિયલ ઈમેઈલ એડ્રેસ તેમજ રાજકોટ ૧૨ એસોસિએશનના સત્તાવાર ઈમેલ એડ્રેસ ઉપર મળ્યો હતો. જેમાં લખાયું છે કે, ગુજરાત પણ ખાલીસ્તાન જિંદાબાદ બોલશે.
રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે બોમ્બ બ્લાસ્ટ બપોરે ૩:૧૧ વાગ્યે થશે. હિન્દુસ્તાનની મોદી - શાહ સરકારને ખતમ કરવા ડ્રોનથી હુમલો કરાશે. વાડીનાર બંદરથી ન્યારા રાઇફાઇનરી અને સિક્કા બંદરથી જામનગર સુધી ડ્રોન ધમાકા થશે. વર્લ્ડ ફોરમ મહાત્મા મંદિર સેન્ટર ખાતે પણ આઇફોન બેટરીમાંથી બોમ્બે ધમાકા થશે. જે ૧૫ - ૧૬ સપ્ટેમ્બર ૪:૧૧ કલાકે થશે. ખાલિસ્તાનનો ઝંડા પણ આવશે. પોર્ટ અને રિફાઇનરીના હુમલા માટે ૧૮ તારીખની ધમકી છે. પંજાબ આઝાદ થશે તેવું લખાણ મેઈલમાં લખાયું છે. મેઈલમાં કેનેડાના ખાલિસ્તાની નેતાઓ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (બી.કે.આઈ.) સંગઠનના નેતાઓ ગુરનખ સિંહ, રૂકન શાહવાલા, ડો. ગુરનિર્વૈર સિંહ, ખાન રાજદા બબ્બર ખાલસા (પરમાર-કેનેડા), પ્રો. ગુરકાલ સિંહ પીએચડી, ખેમ કરણ, ગુરંગાર સિંહ જંડિયાલા ગુરુના નામોનો પણ ઉલ્લેખ છે.


