અમેરિકા સાથેના યુધ્ધ બાદ સૌપ્રથમવાર ઈરાનના બે ટોચના નેતાઓ ન્યુયોર્ક જશે : શું કંઈ મોટું થવા જઈ રહ્યું છે?
(એજન્સી) વોશિંગ્ટન તા.૧૮
અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ વચ્ચે ટ્રમ્પ પ્રશાસને એક મહત્ત્વપૂર્ણ ર્નિણય લીધો છે. આગામી અઠવાડિયે ન્યૂયોર્ક ખાતે યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈરાનનાં ટોચના અધિકારીઓના પ્રતિનિધિમંડળને સામેલ થવાની મંજૂરી આપવામાં આવશે.
અમેરિકન વિદેશ વિભાગે જણાવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રના યજમાન દેશ તરીકે પોતાની જવાબદારીઓ નિભાવતા ઈરાની પ્રતિનિધિમંડળને આ બેઠકમાં ભાગ લેવા દેવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, વીઝા મેળવનારાઓમાં ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશકિયાન અને વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી પણ સામેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૨૮ ફેબ્રુઆરીથી ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ આ સંઘર્ષ શરૂ થયો હતો, જેના જવાબમાં તેહરાને પણ હુમલા કર્યા હતા. અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે ભલે પ્રતિનિધિમંડળને મંજૂરી મળી હોય, પરંતુ તેમના પર મુસાફરીના કડક પ્રતિબંધો લાગુ રહેશે.
આ ઉપરાંત, વર્તમાન અમેરિકન નીતિ હેઠળ લક્ઝરી અને અન્ય સામાન ખરીદવા પર પણ રોક ચાલુ જ રહેશે. સુરક્ષા અને વિદેશ નીતિ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અગાઉની જેમ જ ઈરાની અધિકારીઓની અવરજવર માત્ર સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય, ઈરાની મિશન અને ત્યાંના ઍરપોર્ટ પૂરતી જ મર્યાદિત રાખવામાં આવશે.


