અમરેલીમાં ગુજરાત પોલીસની શસ્ત્ર શક્તિનું પ્રદર્શન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળી આધુનિક સજ્જતા

ચેતક કમાન્ડો ફોર્સના આધુનિક શસ્ત્રો અને સુરક્ષા સાધનોની મુખ્યમંત્રીએ મેળવી માહિતી, પોલીસની કાર્યક્ષમતાને બિરદાવી

અમરેલીમાં ગુજરાત પોલીસની શસ્ત્ર શક્તિનું પ્રદર્શન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળી આધુનિક સજ્જતા

અમરેલી, તા. ૧૪:
દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત અમરેલી પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમર્થ વ્યાયામ મંદિર ખાતે ગુજરાત પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ તેમજ ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રો, સાધનો અને સુરક્ષા ઉપકરણોનું નિરીક્ષણ કર્યું હતું.
શસ્ત્ર પ્રદર્શનમાં વિવિધ પ્રકારની આધુનિક રાઇફલો રજૂ કરવામાં આવી હતી. જેમાં ૭.૬૨ મીમી સ્નાઇપર રાઇફલ, ગેલિલ સ્નાઇપર રાઇફલ, એન્ટી મટિરિયલ રાઇફલ, એકે-૪૭, ૭.૬૨ મીમી ઘાતક રાઇફલ, સિગ સોઅર ૫.૫૬ મીમી એસએફ રાઇફલ, એક્સકેલિબર અને ઇન્સાસ રાઇફલનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત ૩૦ મીમી ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, ૪૦ મીમી અન્ડર બેરલ ગ્રેનેડ લોન્ચર, ગ્લોક પિસ્તોલ, એમપી-૫ સબ-મશીનગન, જેવીપીસી અને અમોઘ કાર્બાઇન સહિતના શસ્ત્રો પણ પ્રદર્શિત કરાયા હતા.
પ્રદર્શન દરમિયાન આધુનિક સુરક્ષા ટેક્નોલોજી અને બિનઘાતક સાધનો પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્નર શોટ સિસ્ટમ, નાઇટ વિઝન ટેક્નોલોજી, ઓપ્ટિકલ સાધનો, રૅપલિંગ સાધનો, મલ્ટી સેલ લોન્ચર, ગેસ ગન અને ટેઝર ગન સહિતના સાધનોનો સમાવેશ થયો હતો. આધુનિક શસ્ત્રો, ટેક્નોલોજી અને વિશેષ તાલીમના સંયોજનથી ચેતક કમાન્ડો ફોર્સની કામગીરીની ક્ષમતાની ઝલક પણ પ્રદર્શનમાં જોવા મળી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસની સજ્જતા, શૌર્ય અને કાર્યક્ષમતાને બિરદાવતાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં પોલીસ દળની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે કૃષિ મંત્રી તથા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, પોલીસ મહા નિર્દેશક આર.વી. અસારી, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.