ઈરાન-અમેરીકા યુધ્ધને કારણે કાચા માલના ભાવમાં ભડકો : બાંધકામ ઉદ્યોગની માઠી

ઈરાન-અમેરીકા યુધ્ધને કારણે કાચા માલના ભાવમાં ભડકો : બાંધકામ ઉદ્યોગની માઠી

મુંબઇ તા.5:
અમેરિકા-ઇરાન વચ્ચેના યુદ્ધને પરિણામે સિમેન્ટ, સ્ટીલ, ટાઈલ્સ, ડીઝલ, ગેસ, લ્યુબ્રિકન્ટ્સ, સ્લાઈડિગ વિન્ડો બનાવવામાં વપરાતા એલ્યુમિનિયમ, પેઈન્ટ્સ, પીવીસી પાઈપ્સ, વોટર પ્રુફિંગ મટિરિયલ્સ, સિમેન્ટના બ્લોક્સ સહિતની બાંધકામમાં વપરાતી સામગ્રીના ભાવ વધી જતાં બાંધકામ ઉદ્યોગની કઠણાઈ વધી રહી છે. તેમના પ્રોજેક્ટ્સના ખર્ચમાં 10થી 20 ટકાનો વધારો થઈ ગયો છે. પરંતુ રેરાના નિયમોને કારણે તેઓ ભાવ વધારો કરી શકતા નથી. પીવીસી પાઈપ્સ, એલ્યુમિનિયમની પેનલ અને મોરબીની ટાઈલ્સનો સપ્લાય જ વચગાળામાં સાવ અટકી ગયો હતો. તેનાથી પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે. મોરબીનો ટાઈલ્સ ઉદ્યોગ ઠપ્પ થઈ જતાં ટાઈલ્સનો સપ્લાય પણ અટકી ગયો હતો. તેમ જ તેનો સપ્લાય પણ વિલંબથી મળી રહ્યો છે. પરિણામે પ્રોજેક્ટના કામકાજ સમયસર પૂરા કરવામાં મુશ્કેલી પડી રહી છે. યુદ્ધ લંબાઈ જાય તો રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીને આપેલી ખાતરી મુજબ પ્રોજેક્ટ પૂરા કરવા પણ મુશ્કેલ બની જશે. પરિણામે કોરોના કાળમાં કોઈના પણ અંકુશ બહારની સ્થિતિ નિર્માણ થઈ હતી તેવી જ સ્થિતિ અત્યારે નિર્માણ થઈ હોવાથી ફોર્સ મેજ્યોર હેઠળ ચાલુ પ્રોજેક્ટ્સને તેમની ડેડલાઈન લંબાવી આપવાની માગણી પણ કરવામાં આવી છે. ક્રેડાઈ અમદાવાદના સૂત્રોનું કહેવું છે કે પ્રોજેક્ટના કામકાજ ઠપ થયા હોવાથી મજૂર વર્ગ પણ તેમના વતન જવા નીકળી ગયો હોવાથી સપ્લાય સમયસર ચાલુ થયા પછી પણ કામકાજ સમયસર પૂરું કરવામાં તકલીફ પડી શકે છે. તેથી ચાલી રહેલા બાંધકામના દરેક પ્રોજેક્ટને ઓછામાં ઓછું 6 માસનું એક્સટેન્શન આપવામાં આવે તેવી માગણી કરતો પત્ર પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપવામાં આવ્યો છે.