કચ્છ સરહદે પાકિસ્તાનની વધુ એક ‘નાપાક’ હરકત
વડાપ્રધાન મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહના ગૃહરાજય ગુજરાતને ટાર્ગેટ બનાવવા પાક.નો મલિન ઈરાદો - આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા સીરક્રીક, હરામીનાળા નજીક પાકિસ્તાનની સૈન્ય હલચલ : ભારત હાઈએલર્ટ પર
(એજન્સી) નવી દિલ્હી,તા.૮:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહના ગૃહરાજય ગણાતા ગુજરાતને ટાર્ગેટ બનાવવાના પાક.ના મલિન ઈરાદા સાથે પાકિસ્તાને પેતરો રચ્યો છે અને જેના ભાગરૂપે કચ્છની સરહદે પાક.સૈન્યની હલચલ વધી રહી હોવાના અહેવાલોને પગલે ભારત દ્વારા હાઈએલર્ટ કરવામાં આવેલ છે અને જાપ્તો વધારી દેવામાં આવેલ છે. ગમે તેવા પડકારોને પહોંચી વળવા ભારતીય સૈન્ય સાબદુ બની ગયું છે. આ અંગે પ્રાપ્ત અહેવાલ અનુસાર જમીન કે હવાઈ માર્ગે ભારત સામે વારંવાર પછડાટ ખાધા પછી પાકિસ્તાને હવે પશ્ચિમી દરિયાઈ સરહદ પર એક નવો નાપાક પેંતરો રચ્યો છે. વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગૃહરાજ્ય ગુજરાતને ટાર્ગેટ બનાવવાના મલિન ઈરાદા સાથે પાકિસ્તાને કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા અતિ સંવેદનશીલ સીરક્રીક અને હરામી નાળા વિસ્તારની નજીક મોટા પાયે ક્ષેત્રીય સૈન્ય હલચલ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પાકિસ્તાને પોતાના ‘અબાબીલ ધ ડિવાઇન સ્ટ્રાઇક‘ નામના વિશેષ પ્રકલ્પ હેઠળ સીરક્રીક નજીક નૌકાદળ અને સૈન્ય માળખાનું ઝડપથી વિસ્તરણ હાથ ધર્યું છે. આ ઘેરાબંધીને વધુ મજબૂત કરવા પાકિસ્તાન પોતાના પરમ મિત્ર ચીન અને તુર્કીની સક્રિય મદદ લઈ રહ્યું છે. આ કાવતરાના ભાગરૂપે ક્રીક ક્ષેત્રમાં અદ્યતન રોકેટ પ્રણાલી, ચીની બનાવટના હાઈ-સ્પીડ હોવરક્રાફટ, નૌકાદળની બોટો અને તુર્કીના વિસ્ફોટક વહન ક્ષમતા ધરાવતા ડ્રોન તહેનાત કરવામાં આવ્યા છે.
એટલું જ નહીં, આ વિસ્તારમાં જળ, જમીન અને હવામાં એકસાથે જોખમી મિશન પાર પાડવા માટે પાકિસ્તાન નૌકાદળે તેના અત્યંત તાલીમબદ્ધ ‘નેવલ સ્પેશિયલ સવિર્સ ગ્રુપ‘ (SSG-N)ના કમાન્ડોને પણ ઉતારી દીધા છે. ક્રીકની દલદલીય જમીન અને અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળ તેમજ સીમા સુરક્ષા દળની હાજરીને પડકારવા માટે આ નવો રોકેટ ફોર્સ અને એર ડિફેન્સ કમ્બાઈન્ડ પ્લાન તૈયાર કરાયો છે. પાક.ના નાપાક ઈરાદાને નાકામ બનાવવાનાં ભાગરૂપે ભારતીય સૈન્ય સાબદુ બની ગયું છે.


