કરીના કપૂર ખાન હવે બનશે ક્રાઈમ ઈન્વેસ્ટિગેટર, આરતી કડવ સાથે કરશે નવી ફિલ્મ

‘મિસિસ’ માટે જાણીતી આરતી કડવના પ્રોસીજરલ ડ્રામાની પટકથાથી કરીના પ્રભાવિત; સપ્ટેમ્બરમાં શૂટિંગ શરૂ થવાની સંભાવના

કરીના કપૂર ખાન હવે બનશે ક્રાઈમ ઈન્વેસ્ટિગેટર, આરતી કડવ સાથે કરશે નવી ફિલ્મ

મુંબઈ, તા.૩૧
કરીના કપૂર ખાન હવે એક નવા અને અલગ અંદાજના પાત્રમાં જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર અભિનેત્રી ‘મિસિસ’ માટે જાણીતી ફિલ્મમેકર આરતી કડવ સાથે એક પ્રોસીજરલ ડ્રામા માટે કામ કરવા જઈ રહી છે, જેમાં કરીના ક્રાઈમ ઈન્વેસ્ટિગેટરની ભૂમિકા ભજવશે.
જાણકારી મુજબ કરીના કપૂર ખાનને ફિલ્મની પટકથા પસંદ આવી છે અને તેણે પ્રોજેક્ટ માટે મંજૂરી આપી દીધી હોવાનું માનવામાં આવે છે. હાલ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે અને સપ્ટેમ્બરથી તેનું શૂટિંગ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
કરીના પોતાની કારકિર્દીમાં કમર્શિયલ મનોરંજનની ફિલ્મોની સાથે ગંભીર અને કન્ટેન્ટ આધારિત ભૂમિકાઓ પણ ભજવી ચૂકી છે. ‘ચમેલી’, ‘દેવ’ અને ‘ઓમકારા’ જેવી ફિલ્મોમાં તેના અભિનયને અલગ ઓળખ મળી હતી. હવે આરતી કડવ સાથેના આ પ્રોજેક્ટ દ્વારા અભિનેત્રી ફરી એક વિશિષ્ટ પટકથા અને પડકારજનક પાત્ર તરફ આગળ વધી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
આરતી કડવ સાયન્સ ફિક્શન, કાલ્પનિક કથાઓ અને માનવીય સંબંધોને કેન્દ્રમાં રાખતી પોતાની ફિલ્મમેકિંગ શૈલી માટે જાણીતી છે. તેમના નિર્દેશનમાં બનનારા આ પ્રોસીજરલ ડ્રામામાં ક્રાઈમ ઇન્વેસ્ટિગેશનને કેવી રીતે રજૂ કરવામાં આવશે તેને લઈને રસ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત કરીના કપૂર ખાન આગામી ફિલ્મ ‘દાયરા’માં પણ પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળવાની છે. આમ, અભિનેત્રીના આગામી પ્રોજેક્ટ્સમાં તપાસ અને કાયદા સાથે જોડાયેલા પાત્રોનું મહત્વ જોવા મળશે.