જૂનાગઢની કે.જે. મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલ સામે ગંભીર તબિબિ બેદરકારી, ખોટું રેકર્ડ ઉભું કરવા અંગે પોલીસમાં લેખિત ફરીયાદ

હોસ્પિટલનાં સત્તાવાળાઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક થઈ શકયો નથી

જૂનાગઢની કે.જે. મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલ સામે ગંભીર તબિબિ બેદરકારી, ખોટું રેકર્ડ ઉભું કરવા અંગે પોલીસમાં લેખિત ફરીયાદ

(વિનુ પુરોહિત દ્વારા)
વિસાવદર તા. ૧૦
જૂનાગઢ શહેરમાં આવેલ કે.જે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે ગંભીર તબીબી બેદરકારી તેમજ ગેરમાર્ગે દોરી બિનજરૂરી હાર્ટ સર્જરી કરવી, જાેખમી સ્થિતિમાં ઓપરેશન કરવું તથા બાદમાં દસ્તાવેજાેમાં ચેડાં કરીને સત્ય છુપાવવાનો પ્રયાસ કરવા અંગે પોલીસ સમક્ષ વિગતવાર લેખિત ફરીયાદ નોંધાવવામાં આવી છે. ફરીયાદી વિજયભાઈ વિનોદભાઈ જાેષી (રહે. માણાવદર)એ રજૂઆત કરી છે કે તેમની માતા ભારતીબેન વિનોદભાઈ જાેષીને સામાન્ય ઉધરસ અને નાની તકલીફ હોવા છતાં હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ અનાવશ્યક રીતે ગંભીર હાર્ટની સારવાર તરફ દોરી જવામાં આવ્યા હતા.
ફરીયાદ મુજબ પ્રાથમિક તપાસોમાં હૃદય સંબંધિત મોટાભાગના રિપોર્ટ સામાન્ય હોવા છતાં દર્દીને એન્જિયોગ્રાફી માટે પ્રેરવામાં આવ્યા અને ત્યારબાદ “ત્રણેય નળીઓમાં બ્લોકેજ” બતાવી બાયપાસ સર્જરી કરવાની સલાહ આપવામાં આવી હતી. નોંધનીય બાબત એ છે કે દર્દીના હૃદયની કામગીરી સારી હોવા છતાં અને તાત્કાલિક સર્જરીની જરૂરિયાત ન હોવા છતાં પરિવારને “જાેખમ નથી” કહી વિશ્વાસમાં લઈ સર્જરી તરફ દોરી જવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરીયાદમાં વધુમાં ગંભીર આક્ષેપ છે કે દર્દીના ફેફસામાં ઇન્ફેક્શન હોવાનું CT સ્કેનમાં સ્પષ્ટ થયું હતું અને નિષ્ણાંત ડોક્ટરે ઇન્ફેક્શન સંપૂર્ણપણે સાજું થાય ત્યાં સુધી ઓપરેશન ન કરવાની સલાહ આપી હતી. તેમ છતાં હોસ્પિટલ તંત્રએ આ મહત્વપૂર્ણ તબીબી સલાહ અવગણી, દર્દીની સ્થિતિ સ્થિર ન હોવા છતાં સર્જરી માટે પ્રક્રિયા આગળ ધપાવી હતી. વધુમાં દર્દીનું ડાયાબિટીસ લેવલ અત્યંત ઊંચું (500થી વધુ) હોવા છતાં અને સતત ઉધરસ હોવા છતાં તા.10/02/2026ના રોજ બાયપાસ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું ફરીયાદમાં જણાવાયું છે, જે ગંભીર બેદરકારી ગણાય તેવી બાબત છે. 
ફરીયાદી દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ઓપરેશન પૂર્વે હાઈ-રિસ્ક સહિતના સંમતિ પત્રકો કોરા ફોર્મમાં સહી લઈ લેવામાં આવ્યા અને ત્યારબાદ તેમાં વિગતો ઉમેરવામાં આવી. દર્દીના પરિવારને ઓપરેશનના વાસ્તવિક જાેખમ અંગે પૂરતી અને પારદર્શક માહિતી આપવામાં આવી નહોતી. અન્ય નિષ્ણાત ડોક્ટરે સ્ટેન્ડથી સારવાર શક્ય હોવાનું જણાવ્યા છતાં હોસ્પિટલ દ્વારા બાયપાસ સર્જરી પર જ આગ્રહ રાખવામાં આવ્યો હોવાનું ફરીયાદમાં જણાવાયું છે. 
ઓપરેશન બાદ દર્દીની સ્થિતિ અચાનક ગંભીર બનતાં પરિવારજનોને તાત્કાલિક બોલાવવામાં આવ્યા, પરંતુ તે સમયે કોઈ જવાબદાર નિષ્ણાંત ડોક્ટર હાજર ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ દર્દીને “બ્રેઈન ડેડ” જાહેર કરી અંતે તા.11/02/2026ના રોજ મૃત્યુ જાહેર કરવામાં આવ્યુ હતું. ફરીયાદમાં જણાવાયું છે કે આ સમગ્ર પ્રક્રિયામાં તબીબી ધોરણોનું પાલન કરવામાં આવ્યું નહોતું અને ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી.
ફરીયાદ મુજબ મૃત્યુ બાદ હોસ્પિટલ દ્વારા સારવારના મૂળ દસ્તાવેજાે પરિવારને આપવામાં આવ્યા નહોતા. નોટીસ આપ્યા બાદ આપવામાં આવેલા ઝેરોક્ષ દસ્તાવેજાેમાં પાછળથી વિગતો ઉમેરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરીયાદમાં જણાવાયું છે કે પોતાની બેદરકારી છુપાવવા તથા સરકારી યોજનાનો લાભ મેળવવાના આશયથી ખોટું રેકોર્ડ ઉભું કરવામાં આવ્યું હોવાનું જણાય છે.  આ સમગ્ર ઘટનાને પગલે ફરીયાદીએ હોસ્પિટલ સંચાલકો, સંકળાયેલા ડોક્ટરો તથા જવાબદાર તમામ વ્યક્તિઓ સામે બેદરકારીથી મૃત્યુ નીપજાવવું, દસ્તાવેજાેમાં ચેડાં કરવા તથા ગુનો છુપાવવાનો પ્રયાસ કરવા બદલ કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફરીયાદી પરિવાર દ્વારા નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ સાથે જવાબદાર લોકો સામે દંડાત્મક ફોજદારી રાહે પગલાં લેવા અને દર્દી સુરક્ષાના હિતમાં કડક સંદેશ આપવાની અપીલ કરવામાં આવી છે.
આ ઘટના તબીબી ક્ષેત્રમાં પારદર્શિતા, જવાબદારી અને દર્દી હિતની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. પરિવાર દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે આ કેસની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ દર્દી સાથે આવી દુ:ખદ ઘટના ન બને અને કલ્યાણકારી યોજનાઓ હેઠળ થતી ગેરરીતિઓ અને કૌભાંડો રોકી શકાય તેવી રજુઆત ફરીયાદ અરજીમાં કરવામાં આવી છે. દરમ્યાન કે.જે. હોસ્પીટલનાં જવાબદારોનો આ બાબતે સંપર્ક સાધવામાં આવ્યો હતો પરંતુ તેઓનો સંપર્ક થઈ શકયો નથી.