જૂનાગઢમાં નીચલા દાતાર બાપુની જગ્યા પાસેના ખાલી તળાવમાં આગ લાગતા દોડધામ

૩૫ હજાર લીટર પાણીનો મારો ચલાવી ફાયર વિભાગે આગને કાબુમાં લીધી

જૂનાગઢમાં નીચલા દાતાર બાપુની જગ્યા પાસેના ખાલી તળાવમાં આગ લાગતા દોડધામ

જૂનાગઢ તા.૩૧
જૂનાગઢના નીચલા દાતાર બાપુની જગ્યા પાસે આવેલ ખાલી તળાવમાં ગઈકાલે અચાનક આગ ફાટી નીકળી હતી. આસપાસ સૂકી જગ્યા અને પરિસ્થિતિને કારણે આગે જોતજોતામાં ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
આ બનાવ અંગેની જાણ થતા ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગના બનાવ અંગે જૂનાગઢ ફાયર વિભાગના અધિકારી જિગરદાન ગઢવીએ જણાવ્યું હતું કે, નીચલા દાતાર બાપુની દરગાહની પાછળ જે ખાલી તળાવ આવેલું છે, ત્યાં આગ લાગ્યા અંગેનો ફાયર કોલ મળ્યો હતો. આ માહિતી મળતા જ અમારી ફાયર વિભાગની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અંદાજે ૩૫,૦૦૦ લીટર આજુબાજુ પાણીનો વપરાશ કરીને અને ફાયરની ત્રણ ગાડીઓની મદદથી સતત ૪૫ મિનિટમાં આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવવામાં આવ્યો હતો અને આગને સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી હતી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ લાગવાના કારણ વિશે વાત કરતા ફાયર ઓફિસર જીગરદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોના કહેવા મુજબ આ આગ ફટાકડાના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
જો કે, આ સિવાય જો અન્ય કોઈ ચોક્કસ કારણ હશે તો તેની ઊંડાણપૂર્વક તપાસ કરીને આગામી સમયમાં વિગતો બહાર લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.