જૂનાગઢમાં રસ્તાનું ‘રાજકારણ’ અંગે ચોંકાવનારો ખુલાસો : એક જ એજન્સીને કામ આપી દેવાતા શહેરનાં માર્ગો વર્ષો સુધી નહી બને ?
મનપાનાં શાસકોની સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ..
જૂનાગઢ તા. ર૪
જૂનાગઢ શહેરની જનતા ઘણા લાંબા સમય થયા રસ્તાનાં પ્રશ્ને ભારે હાલાકીનો સામનો કરી રહી છે. પરંતુ મનપાનાં શાસકોનું પેટનું પાણી પણ હલતું નથી તેવી ગંભીર સ્થિતિ પ્રવર્તી રહી છે. શાસકોની નફટાઈ સામે લોકોમાંથી ભારે આક્રોશ ઉઠી રહયો છે. રસ્તા પ્રશ્ને કાગારોળ મચાવ્યા છતાં પણ શા માટે શહેરનાં રસ્તાઓને બનાવવામાં આવતા નથી તેવો સળગતો સવાલ જૂનાગઢ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બનેલ છે. આ દરમ્યાન અત્યંત આધારભુત રીતે મળતી માહીતી અનુસાર જૂનાગઢમાં રસ્તાનું ભારે ‘રાજકારણ’ ચાલી રહયું છે. અને જે અંતર્ગત ભારે મોટો ખુલાસો અને ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે અંતર્ગત જૂનાગઢમાં રસ્તાનાં કામો વર્ષો સુધી પુરા ન થઈ શકે તેવો ભય વ્યકત કરવામાં આવી રહયો છે.
જૂનાગઢ શહેરનાં રસ્તા શા માટે ઝડપભેર અને સારા બની શકતા નથી. ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે પરંતુ રસ્તાનાં પ્રશ્નો વર્ષો થયા લટકતા રહયા છે. તેના પાછળ કારણ શું ? તો તે અંગેનું જે સત્ય બહાર આવ્યું છે તે હચમચાવી નાંખે તેવું છે. વગદાર સુત્રોનાં જણાવ્યા અનુસાર જૂનાગઢ શહેરમાં રસ્તાનાં કામોથી લઈ અન્ય કામો અંગે અગાઉ જુદી જુદી એજન્સીઓને કામગીરી આપવા માટે કોન્ટ્રાકટ અને વર્ક ઓર્ડર આપવામાં આવતો હતો. પરંતુ છેલ્લા એક વર્ષ થયા જૂનાગઢ શહેરનાં તમામ રસ્તા બનાવવા માટેની કામગીરી માટે ચોકકસ એજન્સીને વર્ક ઓર્ડર ફાળવી દેવામાં આવેલ છે. શહેરનાં અંદાજીત પપ કિમી સુધીનાં મુખ્ય માર્ગો તેમજ શેરી-ગલીઓનાં રસ્તા સહીતની કામગીરીનો તેમાં સમાવેશ થાય છે. જે તે એજન્સીને કામ સોંપી દીધા બાદ હાલ રગશીયા ગાડાની જેમ કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને કોઈપણ રસ્તાનું કામ શરૂ કરે તો તેમાં રસ્તાને લગતા વિવિધ પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હોય છે. સુપરવાઈઝરની પણ મર્યાદા હોય છે. જેને લઈને રસ્તાનાં કામોમાં ખાસ ભલીવાર થતો નથી. જૂનાગઢ શહેરમાં મજેવડી દરવાજાથી જેલ રોડ સુધીનું છેલ્લા એકાદ વર્ષ થયા કામ ચાલે છે પરંતુ હજુ સુધી પુરૂ થયુ નથી તે પણ એટલું જ સત્ય છે. જૂનાગઢ શહેરનાં રસ્તાઓ બનાવવાની કામગીરી એક જ એજન્સીને આપવાનાં કારણે રસ્તાનાં કામોમાં ભારે વિલંબ થઈ શકે તેમ છે અને વર્ષો સુધી શહેરનાં રસ્તા બની શકે જ નહીં તેવું ચિત્ર સામે આવ્યું છે. અને જેને લઈને આક્રોશ ઉઠવા પામેલ છે. આ સાથે એક અન્ય બાબત પણ બહાર આવી છે કે કેટલાક ભાજપના જ વગદારીઓની પણ આ રસ્તાનાં ‘રાજકારણ’માં સાંઠગાઠ હોવાનાં કારણે એક જ એજન્સીને કામ સુપ્રત થયું છે. અને જેને લઈને મનપાનાં શાસકોની રસ્તા પ્રશ્ને હાલત સાપે છંછુદર ગળ્યા જેવો ઘાટ સર્જાયો છે.
જૂનાગઢ શહેરનાં રસ્તાઓનાં પ્રશ્ને વિપક્ષ દ્વારા સ્પેશીયલ જનરલ બોર્ડ બોલાવવા માંગણી કરાશે
જૂનાગઢ શહેરનાં પ્રાથમિક સુવિધાનાં પ્રશ્ને મનપામાં ભારે ઝંઝાવતી રજુઆત કરનારા વિરોધ પક્ષ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ જયાં પણ નાણાંનો વેડફાટ થતો હોય કે વિકાસનાં પ્રશ્ને કાચુ કપાતુ હોય ત્યાં વિપક્ષનાં આકરા વિરોધ વચ્ચે પણ શાસક પક્ષ દ્વારા બહુમતીનાં જાેરે ઠરાવો પસાર કરી દેવામાં આવતાં હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. આ દરમ્યાન જૂનાગઢ શહેરનાં ખાસ કરીને રસ્તાનાં પ્રશ્ને આમજનતા ઘણા લાંબા સમયથી પિડીત છે અને રસ્તાનાં પ્રશ્નોનો કયારે ઉકેલ આવશે તે અંગે શાસક પક્ષ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. તેવા સંજાેગોમાં જૂનાગઢ મનપાનાં વિરોધ પક્ષનાં નેતા લલીત પણસારા દ્વારા આગામી દિવસોમાં ખાસ રસ્તા અંગે જૂનાગઢ મનપાનાં જનરલ બોર્ડની સ્પેશીયલ બેઠક બોલાવવાની માંગણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.


