જૂનાગઢ મનપાના શાસકો બદલાય છે પણ રસ્તાની હાલત જેમની તેમ!
સાતમ આઠમનાં તહેવારોમાં થીંગડાથી રોળવી દેનાર મનપા દિવાળીનાં તહેવારો પહેલા સારા રસ્તા બનાવી આપશે?
જૂનાગઢ તા. ૧પ
જૂનાગઢ શહેરમાં બિસ્માર અને ખરાબ રસ્તાઓની સમસ્યાનો કયારેય અંત આવતો નથી. ભંગાર અને ખાડાવાળા રસ્તાઓને લઈને લોકોમાં તીવ્ર આક્રોશ છવાયેલો છે. લોકોના મુળભુત અધિકારો રસ્તા સહીતની પ્રાથમિક સુવિધા પુરી પાડવાની જેમની ફરજ છે તેવું કોર્પોરેશન તંત્ર રસ્તા સહીતની કામગીરીમાં સાવ નિષ્ફળ ગયું છે. લોકોને પોતાની ફરીયાદો રજુ કરવી તો કોની પાસે રજુ કરવી કે જેથી તેઓના પ્રશ્નનો નિવેડો આવે તે સવાલ ચર્ચાઈ છે. મનપામાં શાસકો બદલાય છે, કમિશ્નરો બદલાય છે પરંતુ આજે ર૦ વર્ષ પહેલા પણ જે સમસ્યાઓ ખાસ કરીને રસ્તા તેમજ પ્રાથમિક સુવિધાના પ્રશ્નો જેમનાં તેમ રહેલા છે. તેમાં પણ મનપાનાં વર્તમાન શાસકોનાં સમયકાળમાં દોઢ વર્ષ ઉપરાંતનાં સમયગાળામાં અનેક પ્રશ્નો ઉભા થાય છે. તેમાંય આડેધડ રસ્તાનાં કામોની કામગીરીને કારણે લોકોને અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખરાબ અને બિસ્માર રસ્તા વચ્ચેથી પસાર થવું એટલે અકસ્માતનો પણ ખતરો રહેલ છે. લોકો અકસ્માતનો ભોગ પણ બનતા હોવાના બનાવો બનેલ છે જ. આ ઉપરાંત ખરાબ રસ્તાને કારણે નાના મોટા વાહનોને વેરેન્ટેજ પણ ખુબજ આવતું રહે છે.
જૂનાગઢ શહેરનાં મોટાભાગનાં વિસ્તારમાં વાહન લઈને ફરો એટલે ગમે તેવી ગાડી, વાહન હોય તે ખખડવા લાગે, જેના કારણે વાહનોનાં વેરેન્ટેજ પણ ખુબજ આવે. એકતરફ પેટ્રોલનાં વધી રહેલા ભાવોને કારણે લોકોને વેરેન્ટેજનો ખર્ચ પરવડે તેમ ન હોવા છતાં રસ્તાનાં કારણે લોકોને પોતાનાા વાહનોને રીપેર કરાવવાનો પારાવર ખર્ચ ભોગવવો પડે છે. આમ એક તો રસ્તા ખરાબ અને પાછુ વેરેન્ટેજનો ખર્ચ લોકોને બમણો માર વેઠવો પડે છે.
મનપા દ્વારા જનરલ બોર્ડ કે સ્ટેન્ડીંગ કમીટીની યોજાતી બેઠકોમાં નવા કામો, નવી નવી યોજનાઓ મુકવામાં આવે છેે. અત્યાર સુધીમાં મુકવામાં આવેલી યોજનાઓમાંથી મોટાભાગની યોજના કાં તો કાગળ ઉપર રહી ગઈ હોય છે અથવા તો જે તે યોજનાનાં કામો પુરા થયા નથી તેવું પણ સતત બનતું રહયું છે. જૂનાગઢ શહેરનો બિસ્માર અને ખાડાવાળા રસ્તાનો પ્રશ્ન તો હવે લગભગ બધેજ વગોવાઈ ગયેલ છે. જેને કારણે મનપાનાં અણધડ વહીવટ પ્રત્યે ટીકાઓ વરસી રહી છે. રસ્તાનો પ્રશ્ન આવે એટલે મનપા તંત્ર હાથજાેગુ હથીયાર સામે મુકે કે ચોમાસામાં રસ્તાના કામો ન કરી શકાય. ચાલો સાચી વાત છે કે ચોમાસામાં રસ્તા ન બનાવવા જાેઈએ પરંતુ બીજીતરફ એક બાબત એ પણ છે કે, ચોમાસાનો સમયગાળો જુનથી ઓકટોબર સુધી ગણી શકાય ત્યારબાદ જાન્યુઆરીથી મે સુધીનાં સમયગાળામાં રસ્તાની કામગીરી થઈ શકે તેમ હોય છે પરંતુ મનપાનાં શાસકોમાં આવડત કયાં? આમેય આ વર્ષે ચોમાસુ જુલાઈ માસમાં શરૂ થયુ હતું અને ત્યારબાદ શ્રાવણ માસ પુરો થયો ત્યાં સુધી માત્ર ઝાપટા રહયા હતાં. સાતમ-આઠમનાં તહેવારો દરમ્યાન શહેરમાં કેટલાક માર્ગો ઉપર માત્ર થીગડાથી કામ ચલાવી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. તહેવારો એક પછી એક આવી રહયા છે. આગામી સમયમાં નવરાત્રી અને દિવાળીનાં તહેવારો આવશે ત્યારે દિવાળીનાં તહેવારોમાં શહેરનાં રસ્તા સારા બનાવવામાં આવે અને મનપા દ્વારા તત્કાલ કાર્યવાહી હાથ ધરે તેવી માંગણી ઉઠવા પામી છે.


