જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારની મતદારયાદીમાંથી ૧૦,૦૦૦થી વધુ મતદારોના નામ કમી કરવા ફોર્મ નં.૭ ખોટી રીતે ભરાયા હોવાનો આક્ષેપ : વોર્ડ નં.૮ના કોર્પોરેટર અદ્રેમાન પંજાનુ નામ રદ્દ કરવા સંજય મનસુખભાઈ ધોરાજીયાએ  ફોર્મ નં.૭ ભરી ખોટી માહિતી આપી તંત્રને ગેરમાર્ગે દોર્યું હોવાનો આક્ષેપ : ગુનો નોંધવા કોંગ્રેસની માંગણી

જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારની મતદારયાદીમાંથી ૧૦,૦૦૦થી વધુ મતદારોના નામ કમી કરવા ફોર્મ નં.૭ ખોટી રીતે ભરાયા હોવાનો આક્ષેપ : વોર્ડ નં.૮ના કોર્પોરેટર અદ્રેમાન પંજાનુ નામ રદ્દ કરવા સંજય મનસુખભાઈ ધોરાજીયાએ  ફોર્મ નં.૭ ભરી ખોટી માહિતી આપી તંત્રને ગેરમાર્ગે દોર્યું હોવાનો આક્ષેપ : ગુનો નોંધવા કોંગ્રેસની માંગણી

(ડેસ્ક)               જૂનાગઢ તા.ર૦
૮૬-જૂનાગઢના મત વિસ્તારમાં સમાવિષ્ટ જૂનાગઢ મહાનગરપાલીકાના ૧ થી ૧પ વોર્ડમાં નામ કમી કરવા માટેના ફોર્મ નં.૭ દ્વારા ૧રપ૭૯ વ્યક્તિઓના નામ રદ્દ કરવાની દરખાસ્ત થઈ હોવાની વિગતો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. તેમાં ચોંકાવનારી બાબત એ છે કે, ૧ થી ૧પ વોર્ડ પૈકીના વોર્ડ નં.૩ માં ૩૩રપ અને વોર્ડ નં.૮માં ૪પ૮૮ મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નં.૭ ભરવામાં આવેલ છે. જયારે વોર્ડ નં.૧માં ૮રપ અને વોર્ડ નં.રમાં ૧૪રર મતદારોના નામો કમી કરવા માટે ફોર્મ ભરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોકત વોર્ડ નં.૧, ર, ૩ અને ૮માં લઘુમતી મતદારો મોટી સંખ્યામાં છે. તેમાં પણ વોર્ડ નં.૩ અને વોર્ડ નં.૮ તો સંપૂર્ણપણે લઘુમતી-મુસ્લીમ વિસ્તારો છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં મતદારો નામ કમી કરવા માટે ફોર્મ નં.૭ ભરવામાં આવતા, ભારે ખળભળાટ મચી ગયો છે. આ અંગે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જાેષીએ એક નિવેદન જારી કરી જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદારોના નામ કમી કરવાનું વ્યાપક ષડયંત્ર રચવામાં આવ્યું છે. ભાજપ દ્વારા ગેરબંધારણીય રીતે ફોર્મ નં.૭ રજુ કરીને જે વિસ્તારોમાં ભાજપને મત નથી મળતા તેવા વિસ્તારોમાંથી ૧૦,૦૦૦ થી વધુ મતો કમી કરવા માટે ફોર્મ નં.૭ ભરવામાં આવેલ છે. આશ્ચર્યની બાબત એ છે કે, જેને આ વિસ્તારના લોકો સાથે કાંઈ લાગતુ-વળગતું નથી તેવા લોકો દ્વારા ફોર્મ નં.૭ ભરવામાં આવેલ છે. એટલે કે, ઉદાહરણ તરીકે જાેઈએ તો કોંગ્રેસ પક્ષમાંથી છેલ્લી ચાર ટર્મથી ચુંટાતા વોર્ડ નં.૮ના કોર્પોરેટર અદ્રેમાન પંજાનુ નામ પણ કમી કરવા ભાજપના આગેવાને દરખાસ્ત કરેલ છે. જે લોકશાહી પર કુઠરા ઘાત સમાન છે. બંધારણે આપેલ મતાધિકાર છીનવવાનો ભાજપ હીન પ્રયાસ કરી રહ્યું છે. તેમ મનોજ જાેષીએ જણાવેલ છે. વધુમાં મનોજ જાેષીએ જૂનાગઢ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીને એક આવેદનપત્ર પાઠવીને એવું જણાવ્યું છે કે, મતદાર યાદીમાંથી ફોર્મ નં.૭ દ્વારા ખોટી માહિતી આપીને નામ કમી કરાવનાર એફઆઈઆર નોંધવામાં આવે. શહેર કોંગ્રેસે આપેલા નિવેદનમાં મનોજ જાેષીએ જણાવ્યું છે કે, ચોક્કસ રાજકીય પક્ષના 
બીએલએ-ર અને રાજકીય આગેવાનોએ ચૂંટણીપંચની કામગીરીને ચેલેન્જ કરતા હોય તેમ ચૂંટણીપંચ દ્વારા પૂર્ણ કરાયેલ એસઆઈઆરની કામગીરીને પડકાર કરતા ખોટી માહિતી આપીને ડ્રાફટ યાદીમાંથી ૮૬-જૂનાગઢ મતવિસ્તારમાંથી ૧૦,૦૦૦ થી વધુ મતદારોના નામ કમી કરવાનું કાવતરૂ કરવામાં આવેલ છે. આવી ખોટી માહિતી આપવા બદલ અને ખોટા દસ્તાવેજાે રજુ કરવા અને છેતરપીંડી કરનાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવા માંગણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વોર્ડ નં.૮ના કોર્પોરેટર અદ્રેમાન પંજાનું નામ રદ્દ કરવા માટે ધોરાજીયા સંજયભાઈ મનસુખભાઈ નામની વ્યક્તિ દ્વારા ફોર્મ નં.૭ રજુ કરીને અદ્રેમાનભાઈ પંજાનું નામ મતદાર યાદીમાંથી રદ્દ કરવા દરખાસ્ત કરેલ છે. જ્યારે કે, અદ્રેમાન પંજા વોર્ડ નં.૮ના ચૂંટાયેલા કોર્પોરેટર છે અને છેલ્લી ચાર ટર્મથી ચૂંટાઈ આવે છે ત્યારે તેમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાની દરખાસ્ત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ તો માત્ર એક ઉદાહરણ છે આવા તો ૧૦,૦૦૦ થી વધુ મતદારોના નામો રદ્દ કરવા એક ચોક્કસ પક્ષ દ્વારા ફોર્મ નં.૭ ભરીને ખોટી વિગતો આપીને વહીવટી અને ચૂંટણી તંત્રને ગેરમાર્ગે દોરવામાં આવ્યું હોવાની જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ મનોજ જાેષીએ એક નિવેદનમાં જણાવ્યું છે ત્યારે આ બાબત આજે બહાર આવતા જૂનાગઢ શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અને જે લોકોના નામ તેમની જાણ બહાર કમી કરવા માટે ફોર્મ નં.૭ ભરવામાં આવ્યા છે તેની જાણકારી મેળવવા માટે ૮૬-જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારના મતદારોમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ બાબતે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા તત્કાલ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષે માંગણી કરી છે. તેટલું જ નહીં આ અંગે ૮૬-વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના બીએલએ અરવિંદભાઈ રીબડીયા, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જાેષી અને વોર્ડ નં.૮ના કોર્પોરેટર અદ્રેમાનભાઈ પંજાએ તત્કાલ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીને રજુઆત કરી ખોટી રીતે ફોર્મ નં.૭ ભરનાર વ્યક્તિઓ સામે તપાસ કરી કાર્યવાહી કરવા, એફઆઈઆર નોંધવા માંગણી કરી છે.