દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોને 23મી જુલાઈ સુધી દરિયો ખેડવા, ક્રિક એરીયામાં અવર-જવર પર પ્રતિબંધ
(પ્રતિનિધી દ્વારા)
દ્વારકા તા.10
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરો પરથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જતા હોય છે. વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોંચાડવી શક્ય હોતી નથી. જુન માસથી દરિયો તોફાની થઈ જતો હોવાથી માછીમારોને સામાન્ય રીતે જુન માસથી સમુદ્રમાં માછીમારી માટે જવુ વિશેષ જોખમી રહે છે. મત્સ્યોદ્યોગ ખાતુ તથા પોર્ટ ઓફીસર દ્વારા માછીમારોને આવી મૌસમમાં સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનધિકૃત રીતે કોઈ માછીમાર સમુદ્રમાં ચાલ્યા જાય અને સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં તેઓને જીવનું જોખમ ઊભુ થાય તેવી સંભાવના રહે છે. આથી આવા માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત કોઈપણ માછીમારોએ કે અન્ય કોઈ વ્યકિતઓએ આગામી તા.23-07-2026 સુધી માછીમારી માટે કે અન્ય કોઈ હેતુસર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રિક એરીયા (ખાડી વિસ્તાર)માં જવા તેમજ કોઈપણ બોટની અવર જવર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા 2023ની જોગવાઈ અનુસાર સજાને પાત્ર થશે. આ જાહેરનામું પોર્ટ ઉપર આવતા વ્યાપારીક જહાજો, લશ્કરી દળો, અર્ધ લશ્કરી દળો, પોલીસ દળો, ગુજરાત મેરીટાઈમ બોર્ડની બોટ, અજાડ ટાપુ તથા ઓખાથી બેટ દ્વારકા વચ્ચે અવર-જવર માટે સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલ પેસેન્જર બોટ, નોન મોટરાઈઝડ ક્રાફટ (લાકડાની બ્નિ યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડીયા માછીમારોને લાગુ પડશે નહિં.


