દિવાળી બાદ જૂનાગઢ શહેરમાં પાણીનો કાળો કકળાટ શરૂ થાય તે પહેલા જ... નરસિંહ મહેતા સરોવરને સૌની યોજનાના ‘નીર’થી છલકાવી દેવા લોકલાગણી

સરોવરનાં પાણી ખુટતા જ અનેક સોસાયટીઓને તોળાતું જળસંકટ : મનપાનાં શાસકો દ્વારા પાણીનો એકશન પ્લાન ઘઢી કાઢવા બુલંદ માંગ

દિવાળી બાદ જૂનાગઢ શહેરમાં પાણીનો કાળો કકળાટ શરૂ થાય તે પહેલા જ... નરસિંહ મહેતા સરોવરને સૌની યોજનાના ‘નીર’થી છલકાવી દેવા લોકલાગણી

જૂનાગઢ તા. રર
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-ભરમાં નજીકના દિવસોમાં જ ‘પાણી’ની તંગી અને કકળાટ શરૂ થવાનો છે. આ વર્ષે ચોમાસુ નબળું રહેતા મોટાભાગનાં વિસ્તારોમાં પાણીની તંગી સર્જાઈ તેવા નિર્દેશો મળી રહયા છે. જૂનાગઢ શહેરમાં પણ પાણીની કટોકટી સર્જાઈ તેવો ભય છે. આ ઉપરાંત શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરમાં પાણીનો પુરવઠો ખુટતાજ સંખ્યાબંધ સોસાયટીઓને તેની અસર થશે અને પાણીનો પ્રશ્ન શરૂ થશે. આવા સંજાેગોમાં પાણીનું સંકટ ઉભુ થાય તે પહેલા જ નરસિંહ સરોવરમાં સૌની યોજનાનું પાણી લાવી વહેલી તકે આ સરોવરને છલકાવી દેવાની જરૂર છે અને લોકોમાંથી પણ માંગ છે. જૂનાગઢ શહેરમાં નરસિંહ મહેતા સરોવરની આસપાસની સોસાયટીઓ તેમજ ઓજી વિસ્તારની સોસાયટીઓમાં ‘સરોવર’ ભરાયેલું હોય તો  પાણીનું સંકટ હળવું રહે છે તેમ છતાં ઉનાળાનાં દિવસોમાં તો પાણીની કટોકટી સર્જાતી રહે છે પરંતુ જયાં સુધી નરસિંહ સરોવરમાં પાણી સંગ્રહાયેલું હોય ત્યાં સુધી રાહત રહે છે પરંતુ આ વખતની વાત અલગ છે. કારણ કે આ વર્ષે વરસાદ ઓછો થયો છે સાથે જ જૂનાગઢને પીવાનું પાણી પુરૂં પાડતા હસ્નાપુર ડેમમાં પાણીનો ઓછો સંગ્રહ છે. જયારે જૂનાગઢને હાલ આણંદપુર ડેમ એક માત્ર આધાર છે. પરંતુ ફેબ્રુઆરી સુધીજ આણંદપુર  ડેમમાં ચાલે તેટલું પાણી હોવાનું જાણકારો જણાવે છે. જયારે નરસિંહ મહેતા સરોવરમાં તો આ વર્ષે વરસાદનું પાણી સંગ્રહ કરવામાં પણ તંત્રની સ્પષ્ટ બેદરકારી રહી હતી. પાછોતરો વરસાદ થયો ત્યારે થોડુ પાણી ભરાયું અને જેને લઈને હાલ વિવિધ સોસાયટીને રાહત છે.  પરંતુ જાણવા મળ્યા મુજબ નરસિંહ સરોવરમાં થોડા દિવસો ચાલે તેટલો જ પાણીનો જથ્થો છે. જથ્થો પુરો થતાં જ સોસાયટીઓના બોર, કુવામાં પાણીના સ્તર નીચા જશે અથવા તો પાણીનાં સ્તર ડુકી જવાની શકયતા છે અને પાણી માટેનાં કપરા દિવસો શરૂ થશે તેમ ભીતી વ્યકત થઈ રહી છે. દિવાળી બાદ સરોવરમાં ધીમે ધીમે પાણીનું સતર ઘટવા લાગશે અને આ સાથેજ અનેક સોસાયટીઓમાં પાણીની મુશ્કેલી શરૂ થવાનો ભય છે. આ વર્ષે ઘણાં ખરા વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે પાણી માટેનું સંકટ તોળાઈ રહયું છે. બધેજ પાણીનો કકળાટ શરૂ થવાનો છે. પાણીની કટોકટી  શરૂ થાય તે પેહલાજ મનપાનાં શાસકો દ્વારા પાણી અંગેનો માસ્ટર પ્લાન ઘડી કાઢવામાં આવે તેવી આમ જનતાની માંગણી છે.
મનપાનાં શાસકો દ્વારા શહેરનાં દરેક વિસ્તારોમાં પાણીની સ્થિતી કેવી છે, કેટલા બોર છે, કેટલા કુવા છે, અને પાણી માટેનાં સ્ત્રોત કેટલા છે, તે તમામ માહિતી એકત્રીતક રી અને વ્યવસ્થિત પ્લાન બનાવવામાં આવે જેથી કરીને શહેરીજનોને પાણીનાં પ્રશ્ને હાલાકીનો સામનો ન કરવો પડે. વિશેષમાં શહેરમાં નર્મદા યોજનાની કામગીરી કેટલી થઈ છે તેના આધારે પણ પાણી પત્રક અસરકારક રીતે બનાવી શકાય છે. આ ઉપરાંત બાદલપુર ડેમને પણ સૌની યોજનાના જલથી ભરી શકાય છે. તેમજ જૂનાગઢ શહેરના નજરાણા સમું નરસિંહ મહેતા સરોવર સુકાઈ જાય અને પાણીનો કકળાટ શરૂ થાય તે પહેલા મનપા દ્વારા નરસિંહ સરોવરને સૌની યોજનાનાં જલથી ભરી દેવા અને આ અંગેની જરૂરી તમામ કાર્યવાહી તત્કાલ હાથ ધરવામાં આવે તેવી લોકોની લાગણી છે.