માંગરોળમાં જુની અદાવતથી થયેલ હુમલો : સામસામી પોલીસ ફરીયાદ

માંગરોળમાં જુની અદાવતથી થયેલ હુમલો : સામસામી પોલીસ ફરીયાદ

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ર૮
જૂનાગઢ જીલ્લાનાં માંગરોળ ખાતે અગાઉના મનદુ:ખે એક પરીવારનાં ૩ સભ્યો પર હુમલાનો બનાવ બનવા પામેલ છે. જાે કે આ બનાવમાં બંને પક્ષે સામસામી ફરીયાદ નોંધાવતાં પોલીસે કુલ ૧૪ શખ્સો સામે ગુનોદાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર માંગરોળમાં ટાવર રોડ ઓઈલ મીલની પાછળ રહેતા ફારૂક સુલેમાન કાપા (ઉ.વ. ૩૮)એ આ કામનાં આરોપી અમીરશા મહમદશા, સતારશા મહમદશા, હનીફશા મહમદશા, દાનીશ સતારશા, ઓવેશ સતારશા, બુરહાનશા અમીરશા, કાદરશા મહમદશા, ફારૂકશા મહમદશા, ફરીદશા મહમદશા વગેરે સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામના ફરીયાદી ફારૂક સુલેમાન કાપાએ અગાઉ અમીરશા ફકીરશાને ગાંજાે ચરસનો ધંધો નહી કરવા જણાવેલ અને ગઈકાલે અમીરશા પોતાના બકરા લઈને ફરીયાદીની વાડીમાં આવેલ હોવાથી ફરીયાદીએ તેમને બકરા નહી લાવવા કહેતા જુની અદાવત રાખી ફરીયાદી સાથે ગાળાગાળી કરી અને આરોપીઓએ એક સંપ કરી કુહાડી, તલવાર, છરી, પાઈપ જેવા હથીયારો ધારણ કરી ફરીયાદી ઉપર હુમલો કરી કુહાડીનો ઘા મારી માથામાં તથા જમણા પગે તથા છરી વડે દાઢીનાં ભાગે તથા લોખંડનાં પાઈપ વડે ડાબા પગે ઘુંટી પાસે ઈજા પહોંચાડી હતી. જયારે સાહેદ અબ્દુલ રહેમાનને કુહાડી વડે કપાળે ઈજા પહોંચાડી તેમજ ફરીયાદીનાં મોટાભાઈ આદમભાઈ સુલેમાનભાઈને બુરહાનશાએ કુહાડી વડે ડાબા પગે ઘુંટણ પર ઈજા પહોંચાડી અને સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવવામાં આવેલ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવેલ.  દરમ્યાન આ બનાવનાં અનુસંધાને સામા પક્ષે હનીફશા મહમદશા ફકીર (ઉ.વ. પર) રહે. હાજીસીદી દરગાહની બાજુમાં, ૬૬ કેવી રોડ માંગરોળવાળાએ આ કામનાં આરોપી આદમ સુલેમાન કાપા, ફારૂક સુલેમાન કાપા, કાસમ કાપા, અબ્દુલ કાપા રહે. તમામ મીલની પાછળવાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ છે કે આ કામના ફરીયાદી તથા આરોપીઓને અગાઉથી રહેમત મસ્જીદમાં જવા આવવા બાબતની તકરાર ચાલતી હોય જેની અદાવત રાખી ફરીયાદીનાં ભાઈ અમીરશા સાથે બકરા ચરાવવા બાબતે ઝગડો કરી ગાળાગાળી કરી સાહેદોને પણ ગાળાગાળી કરી અને ફારૂક કાપાએ પાવડાનાં હાથા વડે ફરીયાદીને ડાબા હાથે કાંડાનાં ભાગે મુંઢ ઈજા પહોંચાડી તથા ફરીયાદીનાં ભાઈ અમીરશાને ખપારીના હાથા વડે મુંઢ ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. માંગરોળ પોલીસે બંને પક્ષોની સામસામી ફરીયાદ નોંધી અને વધુ તપાસ માંગરોળનાં પીએસઆઈ આર.ડી. રોહીત ચલાવી રહયા છે.