જૂનાગઢમાં ચિતાખાના ચોકથી ગાંધી ચોક જવાના માર્ગ ઉપરનાં દબાણો દુર કરવા તંત્ર દ્વારા કાર્યવાહી

રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક સુધીનો રસ્તો ભુગર્ભ ગટરનાં કામ સબબ આવતીકાલથી બંધ થવાનો છે

જૂનાગઢમાં ચિતાખાના ચોકથી ગાંધી ચોક જવાના માર્ગ ઉપરનાં દબાણો દુર કરવા તંત્ર દ્વારા કાર્યવાહી

જૂનાગઢ તા. ર૮
જૂનાગઢ શહેરનાં ચીતાખાના ચોકથી ગાંધીચોક જવાના માર્ગ ઉપરનાં કથિત દબાણોને દુર કરવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ મનપાનાં કમિશ્નર આઈ.આર. વાળા દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક જાહેરનામા અંતર્ગત રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક તરફ આવતા ડાબી બાજુનાં રોડ પર ભુગર્ભ ગટર ફેઝ-રની કામગીરી તથા નવો રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. રાહદારીઓ અને વાહન ચાલકોની સલામતી માટે આ માર્ગ આવતીકાલ તા. ર૯ સપ્ટેમ્બર ર૦ર૬ થી તા. રપ નવેમ્બર ર૦ર૬ સુધી તમામ પ્રકારનાં વાહનો અને રાહદારીઓ માટે સદંતર બંધ જાહેર કરવામાં આવ્યો છે. જયારે વૈકલ્પીક માર્ગ તરીકે વાહન ચાલકોને રેલ્વે સ્ટેશન સર્કલથી સરદારગેટ, જેલ ચોક, જુની કોર્ટ અને ચિતાખાના ચોક થઈને ગાંધી ચોક તરફ જવા માટેનું જાહેર કરાયું છે.  આ જાહેરનામાની અમલવારી આવતીકાલથી થઈ રહી છે ત્યારે આજે મનપાની દબાણ શાખા તેમજ ટ્રાફીક પોલીસને સાથે રાખી રસ્તાનું નીરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ કોર્ટ નજીક બેરીકેટ મુકી દેવામાં આવ્યા છે તેમજ દબાણો દુર કરવાની કામગીરી અંતર્ગત ચીતાખાનાથી ગાંધી ચોક તરફ જવાનાં માર્ગ ઉપર આવેલા ઓટલા સહિતનાં દબાણોને દુર કરવાની કામગીરી જેસીબી દ્વારા કરવામાં આવી રહી છે.