સુરતમાં પોલીસે છ મહિના પહેલા જ્યાં દરોડા પડેલા ત્યાં જ ફરીથી બીજી વખત ચાઇનીઝ દોરીનું ઉત્પાદન ઝડપાયું.
મકરસંક્રાંતિને હજુ 4 મહિના જેટલો સમય બાકી છે ત્યાં જ સુરત પોલીસે ચાઇનીઝ દોરી બનાવતી ફેક્ટરી પકડી પાડીને મશીનરી, કાચોમાલ અને ચાઇનીઝ દોરી સહીત કુલ 2.18 કરોડની રકમનો મુદ્દામાલ જપ્ત કરેલ છે. જોવાની વાત એ છે કે છ મહિના પોલીસે આ જ ફેક્ટરી પર રેડ પાડીને અંદાજે 20 લાખ રૂપિયાની કિમતની ચાઇનીઝ દોરી પકડી પાડી હતી. આમ છતાં કાયદા કે પોલીસ તંત્રનો ડર રાખ્યા વગર ફેક્ટરીના માલિક નરેશ પટેલે ફરીથી ચાઇનીઝ દોરીનું અગાઉ કરતા બમણા પ્રમાણમાં ઉત્પાદન શરુ કરી દીધું હતું. ઉલ્લેખનીય છે આ ઉત્પાદન શરુ કરવાની જવાબદારી લેનાર પ્રમોદ મંડલ મૂળ બિહારનો રહેવાસી છે અને ફેકટરીમાં પ્રોડક્શન મેનેજર તરીકે ફરજ નિભાવે છે. તેની દેખરેખ નીચે જ 60 થી વધુ શ્રમિકો 24 કલાક આ જીવલેણ ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતા હતા.
આ વિશે માહિતી આપતા DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે આ દોરી મકરસંક્રાંતિ પહેલા દેશના અલગ અલગ ભાગોમાં પહોચાડી દેવાની હતી અને જો આમ થયુ હોત તો કેટલાય પક્ષીઓ અને લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા હોત. આથી સુરત પોલીસે સમયસુચકતા વાપરીને બાતમીના આધારે રેડ પાડીને બહુ મોટું અનર્થ થતું અટકાવેલ છે. જો કે આ ગેરકાયદેસર ચાલતી ફેક્ટરીમાં પર્યાવરણના નિયમોનો ભંગ થયો હોય ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ને જાણ કરવામાં આવી છે તેમજ હિસાબી બાબતો સાથે ચેડા થયા હોય GST વિભાગને જાણ કરીને ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


