મુંબઈ હુમલામાં આતંકવાદીઓ સામે લડનાર એનએસજી કમાન્ડો ગાંજા સાથે ઝડપાયો

મુંબઈ હુમલામાં આતંકવાદીઓ સામે લડનાર એનએસજી કમાન્ડો ગાંજા સાથે ઝડપાયો

(એજન્સી)        નવી દિલ્હી, તા.૩
રાજસ્થાનની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે એક સંયુક્ત કાર્યવાહીમાં ગાંજાની સ્મગલિંગના માસ્ટરમાઈન્ડ બજરંગ સિંહની ધરપકડ કરી છે. તે પૂર્વ નેશનલ સિક્યોરિટી ગાર્ડ કમાન્ડો છે અને ૨૬/૧૧ના હુમલા દરમિયાન મુંબઈની તાજ હોટેલમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં સામેલ હતો.
સીકર જિલ્લાના ફતેહપુર શેખાવતીના કરંગા ગામનો રહેવાસી બજરંગ ઓડિશા અને તેલંગાણાથી ગાંજો લાવીને રાજસ્થાનમાં પોતાનું નેટવર્ક ચલાવતો હતો. તેના પર ૨૫,૦૦૦ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
અહેવાલો અનુસાર, બજરંગ સિંહ એટલો ચાલાક હતો કે તે ભાગ્યે જ પોતાનો મોબાઇલ ફોન વાપરતો, વારંવાર સ્થાન બદલતો અને સ્થાનિક લોકો પર વિશ્વાસ કરતો નહીં. જોકે, મહિનાઓની સખત મહેનત અને દેખરેખ પછી, રાજસ્થાન એટીએસ એ તેને ફિલ્મી ઢબે પકડી પાડયો હતો. તેની પાસેથી ૨૦૦ કિલોગ્રામ ગાંજો પણ મળી આવ્યો હતો.
આરોપી બજરંગ સિંહે અંગે  ઈન્સ્પેક્ટર જનરલ વિકાસ કુમારે જણાવ્યું હતું કે, ‘બજરંગ સિંહ નાની ડીલથી ક્વિન્ટલ લેવલની ગાંજાના સ્મગલિંગની  તરફ આગળ વધ્યો. તેની ધરપકડથી ડ્રગ્સ વિરોધી અભિયાનમાં એક મોટી સફળતા છે.‘