તેલંગાણામાંથી ડ્રગ્સની ફેકટરીનો પર્દાફાશ : રૂા.૧ર,૦૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું
(એજન્સી) હૈદરાબાદ તા.૬:
મીરા-ભાયંદર પોલીસે ડ્રગ્સ દાણચોરી સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાં તેલંગાણામાં એક મોટી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ફેક્ટરીમાંથી લગભગ ૩૨ હજાર લિટર કાચા એમડી ડ્રગ્સ જપ્ત કર્યા છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ૧૨ હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
આ કાર્યવાહીમાં ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ માત્ર ૨૦૦ ગ્રામ ડ્રગ્સ જપ્ત થયા સાથે શરૂ થઈ હતી, જેની કિંમત આશરે ૨૫ લાખ રૂપિયા હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ જેમ જેમ મામલો વધુ ઊંડો થતો ગયો તેમ તેમ પોલીસને આ મોટી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી સુધી પહોંચ મળી.
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા નેટવર્કનું એક મોટું કનેક્શન સામે આવી રહ્યું છે, જે દેશ અને વિદેશમાં ફેલાયેલું છે. ફેક્ટરીમાંથી જપ્ત કરાયેલા ડ્રગ્સ અને રસાયણો જપ્ત કરવામાં આવ્યા છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


