રણબીર કપૂરની 'રામાયણ'ને સેન્સર બોર્ડની ખાસ મંજૂરી, એક પણ કટ વિના મળ્યું 'U' સર્ટિફિકેટ

CBFCએ કોઈ ઓડિયો-વિઝ્યુઅલ ફેરફાર સૂચવ્યા વિના આપી મંજૂરી; ૩ કલાક અને ૧૫ મિનિટની રહેશે ફિલ્મ

રણબીર કપૂરની 'રામાયણ'ને સેન્સર બોર્ડની ખાસ મંજૂરી, એક પણ કટ વિના મળ્યું 'U' સર્ટિફિકેટ

મુંબઈ, તા. ૩
રણબીર કપૂરની આગામી ભવ્ય ફિલ્મ 'રામાયણ' રિલીઝ પહેલાં જ એક ખાસ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ ફિલ્મને એક પણ કટ કે ઓડિયો-વિઝ્યુઅલ ફેરફાર સૂચવ્યા વિના 'U' સર્ટિફિકેટ આપ્યું છે. એટલું જ નહીં, બોર્ડ દ્વારા સામાન્ય રીતે સૂચવવામાં આવતા ટાઇટલ કે ક્રેડિટ્સમાં પણ કોઈ વધારાના ફેરફાર માગવામાં આવ્યા નથી.
૩૦ ઓક્ટોબરે નિર્માતાઓને સોંપાયેલા સેન્સર સર્ટિફિકેટ મુજબ ફિલ્મની કુલ લંબાઈ ૧૯૫ મિનિટ એટલે કે ૩ કલાક અને ૧૫ મિનિટ છે. 'U' સર્ટિફિકેટનો અર્થ એ થાય છે કે ફિલ્મ તમામ ઉંમરના દર્શકો માટે યોગ્ય માનવામાં આવી છે.
તાજેતરના સમયમાં 'ધ વિવાન' અને 'દ્રશ્યમ: ધ કન્ક્લુઝન' જેવી ફિલ્મોને પણ કોઈ કટ વિના સેન્સર મંજૂરી મળી હતી, પરંતુ તેમને 'U/A 16+' રેટિંગ આપવામાં આવ્યું હતું. તેની સામે 'રામાયણ'ને સીધું જ 'U' સર્ટિફિકેટ મળવું તેને વિશેષ બનાવે છે.
નિતેશ તિવારીના દિગ્દર્શન હેઠળ બની રહેલી આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા, યશ રાવણ, રવિ દુબે લક્ષ્મણ અને સની દેઓલ ભગવાન હનુમાનની ભૂમિકામાં જોવા મળશે. નમિત મલ્હોત્રા નિર્મિત આ ભવ્ય ફિલ્મ આગામી દિવસોમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.