રેન્જ આઈજીની ટીમનો સપાટો : વિસાવદર બસ સ્ટેશન પાસેથી લાખોના ગાંજા સાથે સુરતના ત્રણ શખ્સો ઝડપાયા
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૨૮
જૂનાગઢમાં યુવાધન નશાના ખપ્પરમાં હોમાઈ જાય તે પહેલા જ રેન્જ આઈજીની ટીમ દ્વારા એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. અગાઉ પણ જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં અનેક જગ્યાએથી નશાનો સામાન અને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે જૂનાગઢ રેન્જ આઈજીની ટીમ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
રેન્જ આઇજીની ટીમ દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુરતના ત્રણ ઇસમો ગૌતમ ડાભી, રાજ ચન્દ્રેશ અને કરણ સોની-સુરત ખાતેથી પ્રતિબંધિત ગાંજાનો જથ્થો લાવી વેચાણ કરવા માટે મોડી રાત્રિના સમયે વિસાવદર બસ સ્ટેશન ખાતે આવનાર છે.
પોલીસે બાતમીવાળી જગ્યાએથી ત્રણ ઇસમોને એન.ડી.પી.એસ.ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે.
આ કેસમાં પકડાયેલ આરોપીઓમાં રાજ ચન્દ્રેશભાઈ પરમાર(ઉ.વ.૨૬) જે સુરતના વરાછા હિરાબાગ પાસે રહે છે અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોઈકા ગામનો છે. કરન બજરંગી સોની(ઉ.વ.૨૪) જેઓ સુરતના વરાછા ઘનશ્યામનગરમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના બનારસ મહારાજગંજ મુકતાપુરના છે.
ગૌતમ ચેતનભાઈ ડાભી(ઉ.વ.૨૬) જે સુરતના વરાછા હિરાબાગ પાસે વિશાલનગરમાં રહે છે અને મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુનાવઘાણીયાનો છે. આ ઉપરાંત સુરતના અશ્વિનીકુમાર રેલવે પાટા વિસ્તારમાં રહેતા ‘દિપક‘ નામના ઇસમ તેમજ તપાસમાં ખુલે તે અન્ય આરોપીઓ હાજર નહીં મળી આવતા ગુનો દાખલ કરેલ છે. વધુમાં આ રેડ દરમ્યાન કુલ રૂા.૧,૧૪,૪૮૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ૧.૬૮૦ કિ.ગ્રા. વનસ્પતિ જન્ય ગાંજો જેની કિંમત રૂા.૮૪,૦૦૦/- છે, ગાંજો ખાલી કરેલ કોથળી, સેલોટેપ, બેગ, રૂા.૩૦,૦૦૦/-ની કિંમતના ૩ મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા ૪૮૦/-નો સમાવેશ થાય છે. આ તકે પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે કે જૂનાગઢ રેન્જ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં અને નશાકારક પદાર્થોના ખરીદ-વેચાણ કે હેરાફેરી સાથે સંકળાયેલા અસામાજિક તત્વો સામે આગામી દિવસોમાં પણ કડકમાં કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.


