પોરબંદર પોલીસે આસામના અપહરણ કેસના આરોપી અને સગીરાને નરવાઈ મંદિર પાસેથી શોધી કાઢ્યા
પોરબંદર-સોમનાથ નેશનલ હાઇવે પર આવેલી ફીશ મીલ ફેક્ટરીમાંથી બંનેને હસ્તગત કરી નવીબંદર મરીન પોલીસને સોંપાયા
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.11
આસામ રાજ્યના બક્સા જિલ્લાના બરામા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને ગેરકાયદેસર અટકાયતના ગુનામાં વોન્ટેડ આરોપી તથા ગુનાના ભોગ બનેલી સગીરવયની દિકરીને પોરબંદર એલ.સી.બી.એ સફળ કામગીરી દરમિયાન શોધી કાઢી હતી. મળતી માહિતી મુજબ, જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલા અને અપહરણના ભોગ બનેલા વ્યક્તિઓ તથા આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ હાથ ધરી હતી. એ.એસ.આઈ. બટુકભાઈ વિંઝુડા, રણજીતસિંહ દયાતર તથા હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પરમારને ખાનગી બાતમી મળી હતી કે આસામ રાજ્યના બક્સા જિલ્લાના બરામા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 127(3) અને 137(2) હેઠળ નોંધાયેલા કેસનો આરોપી સૌરવ ઉર્ફે રીયાન નબજીત ગોગોઇ અને ભોગ બનનાર સગીરવયની દિકરી પોરબંદર-સોમનાથ નેશનલ હાઇવે પર નરવાઈ મંદિર સામે આવેલી ‘અક્ષ ફીશ મીલ એન્ડ ઓઇલ’ ફેક્ટરીમાં રોકાયેલા છે. બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં આરોપી સૌરવ ઉર્ફે રીયાન ગંગાધર ગોગોઇ (ઉ.વ. 26), રહેવાસી પદમબારા ગામ, આનંદબજાર, તમુલપુર-દોમદોમા રોડ, જિલ્લો તામુલપુર (આસામ) તથા સગીરવયની ભોગ બનનાર દિકરી મળી આવ્યા હતા. પોલીસે બંનેને વધુ પૂછપરછ માટે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે નવીબંદર મરીન પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા. ઉપરાંત સમગ્ર ઘટનાની જાણ આસામ રાજ્યના બક્સા જિલ્લાના બરામા પોલીસ સ્ટેશનને પણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.


