મજેવડી ગામ નજીક બાયપાસ રોડ પર બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતાં પાંચ વ્યક્તિના ઘટનાસ્થળે જ કરૂણ મોત

અમદાવાદનો પરિવાર સોમનાથ અસ્થિ વિસર્જન માટે જઈ રહ્યો હતો : બે વ્યક્તિની હાલત અત્યંત ગંભીર

મજેવડી ગામ નજીક બાયપાસ રોડ પર બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતાં પાંચ વ્યક્તિના ઘટનાસ્થળે જ કરૂણ મોત

જૂનાગઢ તા.11
જૂનાગઢ શહેર નજીક મજેવડી ગામ નજીક ફોર ટ્રેક રોડ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન માટે જઈ રહેલા અમદાવાદ અને વિરમગામના એક પરિવારની અટિર્ગા કાર રસ્તા પર બંધ ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી બેની હાલત અતિ ગંભીર છે.
પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ જિલ્લાનો આ પરિવાર પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન અર્થે અટિર્ગા કારમાં સવાર થઈને પવિત્ર યાત્રાધામ સોમનાથ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન મજેવડી ગામ પાસે હાઈવે પર બંધ હાલતમાં ઉભેલી એક ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને 6 માસની બાળકી સહિત પાંચ સભ્યોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને 108 ઇમરજન્સી સેવાની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બચાવ કામગીરી હાથ ધરીને તમામ ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ઇજાગ્રસ્તો પૈકી બે લોકોની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને હાલ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. જૂનાગઢ તાલુકા પોલીસે મૃતકોના શબને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકો :
(૧) શૈલેષભાઈ દયારામભાઈ દલવાડી (ઉ.વ.૩૦) રહે.વિરમગામ
(ર) પુજાબેન શૈલેષભાઈ દલવાડી (ઉ.વ.ર૮) રહે.વિરમગામ
(૩) રાહી શૈલેષભાઈ દલવાડી (ઉ.વ.૦૬ માસ) રહે.વિરમગામ
(૪) પ્રકાશભાઈ જીતુલાલ બારોટ (ઉ.વ.૩પ, રહે.અમદાવાદ
(પ) રાજુભાઈ નાથાભાઈ બારોટ (ઉ.વ.પપ) રહે.અમદાવાદ