‘રામાયણ’નું ‘જય જય રામ’ ગીત રિલીઝ થતાં મનોજ મુન્તશિરે શેર કર્યું ‘આદિપુરુષ’નું ગીત, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

પોસ્ટના સમયને લઈને નેટ યૂઝર્સે ઉઠાવ્યા સવાલ અને ‘ઈર્ષા’ના લગાવ્યા આરોપ; ‘આદિપુરુષ’ના સંવાદોને લઈને અગાઉ માફી માગી ચૂક્યા છે મનોજ મુન્તશિર

‘રામાયણ’નું ‘જય જય રામ’ ગીત રિલીઝ થતાં મનોજ મુન્તશિરે શેર કર્યું ‘આદિપુરુષ’નું ગીત, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

મુંબઈ, તા.૧૭
રણબીર કપૂર અને સાઈ પલ્લવીની આગામી ફિલ્મ ‘રામાયણ’નું પહેલું ગીત ‘જય જય રામ’ રિલીઝ થયા બાદ ગીતકાર અને સંવાદલેખક મનોજ મુન્તશિર શુક્લા સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા છે. ‘જય જય રામ’ રિલીઝ થયાના સમયગાળા દરમિયાન મનોજ મુન્તશિરે પોતે લખેલું ‘આદિપુરુષ’નું ગીત સોશિયલ મીડિયા પર શેર કરતાં કેટલાક નેટ યૂઝર્સે તેમની પોસ્ટના સમયને લઈને સવાલ ઉઠાવ્યા અને આકરી ટીકા કરી હતી.
સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે મનોજની આ પોસ્ટને ‘રામાયણ’ના નવા ગીત સાથે જોડીને જોઈ હતી. કેટલાક યુઝર્સે સવાલ કર્યો કે ‘જય જય રામ’ રિલીઝ થયા બાદ જ ‘આદિપુરુષ’નું ગીત શેર કરવાની જરૂર કેમ પડી? આ સાથે કેટલાક લોકોએ તેને ઈર્ષા સાથે જોડીને પણ ટિપ્પણીઓ કરી હતી. જોકે મનોજ મુન્તશિરે ‘રામાયણ’ના ગીતને ધ્યાનમાં રાખીને જ આ પોસ્ટ કરી હતી કે કેમ તેની કોઈ સ્પષ્ટ પુષ્ટિ નથી.
એક યુઝરે મનોજ મુન્તશિરની ટીકા કરતાં ‘આદિપુરુષ’ને લઈને ફરી જૂના વિવાદનો ઉલ્લેખ કર્યો હતો. અન્ય કેટલાક યુઝર્સે પણ ‘રામાયણ’ના ગીતની ‘આદિપુરુષ’ સાથે સરખામણી કરતાં મનોજની પોસ્ટ પર નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક લોકોએ કવિ કુમાર વિશ્વાસનો ઉલ્લેખ કરીને પણ મનોજ પર કટાક્ષ કર્યો હતો.
મનોજ મુન્તશિર સામેની આ ટીકા પાછળ વર્ષ 2023માં રિલીઝ થયેલી ‘આદિપુરુષ’ સાથે જોડાયેલો વિવાદ પણ મહત્વનું કારણ છે. ઓમ રાઉતના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ રામાયણથી પ્રેરિત હતી અને તેમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતા.
‘આદિપુરુષ’ રિલીઝ થયા બાદ ફિલ્મના કેટલાક સંવાદો, પાત્રોની રજૂઆત અને અન્ય સર્જનાત્મક પસંદગીઓને લઈને ભારે વિવાદ થયો હતો. ખાસ કરીને મનોજ મુન્તશિર દ્વારા લખાયેલા કેટલાક સંવાદો સામે સોશિયલ મીડિયા પર વિરોધ જોવા મળ્યો હતો. વિવાદ વધ્યા બાદ ફિલ્મના કેટલાક સંવાદોમાં ફેરફાર પણ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર વિવાદ બાદ મનોજ મુન્તશિરે જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી હતી અને ‘આદિપુરુષ’ને પોતાની કારકિર્દીની મોટી ભૂલ ગણાવી લોકોની માફી પણ માગી હતી. આમ છતાં ફિલ્મ સાથે જોડાયેલો વિવાદ સમયાંતરે ફરી ચર્ચામાં આવતો રહ્યો છે.
હવે રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ‘રામાયણ’નું ‘જય જય રામ’ ગીત સામે આવ્યા બાદ મનોજ મુન્તશિર દ્વારા ‘આદિપુરુષ’નું ગીત શેર કરવામાં આવતાં સોશિયલ મીડિયા પર ફરી બંને ફિલ્મોની સરખામણી શરૂ થઈ છે. જોકે પોસ્ટ પાછળ મનોજનો આશય શું હતો તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી ન હોવાથી સોશિયલ મીડિયા પર થઈ રહેલી ‘ઈર્ષા’ સહિતની ટિપ્પણીઓ નેટ યૂઝર્સના અભિપ્રાય અને અટકળો પૂરતી જ છે.