રશ્મિકા મંદાના બનશે ‘ભારતરત્ન’ એમ.એસ. સુબ્બુલક્ષ્મી, બાયોપિક ‘એમએસ-એ લિગસી’ની સત્તાવાર જાહેરાત
ચેન્નાઈમાં સુબ્બુલક્ષ્મીની 110મી જન્મજયંતિ નિમિત્તે કમલ હાસને કરી ફિલ્મની જાહેરાત; ગૌતમ ટિન્નામુરી સંભાળશે દિગ્દર્શન, અનિરૂદ્ધ રવિચંદર આપશે સંગીત
ચેન્નાઈ, તા.૧૭
અભિનેત્રી રશ્મિકા મંદાના ભારતીય શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ અને ભારતરત્નથી સન્માનિત ગાયિકા એમ.એસ. સુબ્બુલક્ષ્મીના જીવનને હવે મોટા પડદા પર જીવંત કરતી જોવા મળશે. લાંબા સમયથી રશ્મિકા એમ.એસ. સુબ્બુલક્ષ્મીની બાયોપિક સાથે જોડાઈ હોવાની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે હવે ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બાયોપિકનું ટાઈટલ ‘એમએસ-એ લિગસી’ રાખવામાં આવ્યું છે.
ચેન્નાઈની મ્યુઝિક એકેડમી ખાતે એમ.એસ. સુબ્બુલક્ષ્મીની 110મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત વિશેષ કાર્યક્રમ દરમિયાન ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત અભિનેતા કમલ હાસને ‘એમએસ-એ લિગસી’ની જાહેરાત કરી હતી. ફિલ્મના સહનિર્માતા ગીતા આર્ટ્સ દ્વારા પણ સોશિયલ મીડિયા મારફતે રશ્મિકા મંદાના ફિલ્મમાં એમ.એસ. સુબ્બુલક્ષ્મીની ભૂમિકા ભજવશે તેવી માહિતી આપવામાં આવી છે.
એમ.એસ. સુબ્બુલક્ષ્મીના પાત્ર માટે અગાઉ સાઈ પલ્લવી અને રુક્મિણી વસંત સહિતની અભિનેત્રીઓના નામની પણ ચર્ચા ચાલી હતી. જોકે સ્ત્રોત મુજબ સ્ક્રીન ટેસ્ટની પ્રક્રિયા બાદ અંતે રશ્મિકા મંદાનાની પસંદગી કરવામાં આવી છે. ભારતીય સંગીત જગતના અત્યંત પ્રતિષ્ઠિત વ્યક્તિત્વને પડદા પર રજૂ કરવાનું હોવાથી રશ્મિકા માટે આ તેની કારકિર્દીના મહત્વપૂર્ણ પાત્રોમાંથી એક બની શકે છે.
‘એમએસ-એ લિગસી’નું દિગ્દર્શન ગૌતમ ટિન્નામુરી કરશે, જ્યારે ફિલ્મના સંગીતની જવાબદારી અનિરૂદ્ધ રવિચંદર સંભાળશે. એમ.એસ. સુબ્બુલક્ષ્મીનું સમગ્ર જીવન સંગીત સાથે ગાઢ રીતે જોડાયેલું હોવાથી ફિલ્મમાં સંગીતની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ રહેવાની છે.
વર્ષ 1916માં મદુરાઈમાં જન્મેલા એમ.એસ. સુબ્બુલક્ષ્મીએ ખૂબ નાની ઉંમરથી જ સંગીતની દુનિયામાં પોતાની પ્રતિભાનો પરિચય આપવાનું શરૂ કર્યું હતું. કર્ણાટકી શાસ્ત્રીય સંગીતમાં તેમણે મેળવેલી સિદ્ધિઓએ તેમને માત્ર દક્ષિણ ભારત પૂરતા સીમિત ન રાખતાં દેશ-વિદેશમાં વિશિષ્ટ ઓળખ અપાવી હતી. મદ્રાસ મ્યુઝિક એકેડમીમાં નાની ઉંમરે જ તેમના પરફોર્મન્સે સંગીત જગતનું ધ્યાન ખેંચ્યું હતું.
સુબ્બુલક્ષ્મીનો વારસો માત્ર શાસ્ત્રીય સંગીતના મંચ સુધી સીમિત રહ્યો નહોતો. તેમણે ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. ‘સેવા સદનમ’, ‘શકુંતલાઈ’, ‘સાવિત્રી’ અને ‘મીરા’ જેવી ફિલ્મો સાથે તેઓ જોડાયાં હતાં. ખાસ કરીને ‘મીરા’એ તેમના સંગીત અને અવાજને વધુ વિશાળ જનસમુદાય સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ભારતીય સંગીત અને સંસ્કૃતિમાં આપેલા અસાધારણ યોગદાન બદલ એમ.એસ. સુબ્બુલક્ષ્મીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’થી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમના જીવનની સંગીતયાત્રા, વ્યક્તિગત સંઘર્ષ, ઐતિહાસિક સિદ્ધિઓ અને ભારતીય શાસ્ત્રીય સંગીત પર છોડેલા વારસાને ‘એમએસ-એ લિગસી’માં કેવી રીતે રજૂ કરવામાં આવશે તેના પર હવે સંગીતપ્રેમીઓની નજર રહેશે.
રશ્મિકા મંદાના માટે પણ આ ફિલ્મ અત્યાર સુધી ભજવેલાં પાત્રોથી અલગ પ્રકારનો પડકાર બની રહેશે. ફિલ્મની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ શૂટિંગ શેડ્યૂલ, અન્ય કલાકારો અને રિલીઝ તારીખ સહિતની વધુ વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.


