શબાના આઝમીએ ધર્મને ગણાવ્યો અંગત મામલો: કહ્યું- ‘હું મુસ્લિમ છું પણ નમાઝ અદા નથી કરતી’

ઈશ્વરની કલ્પના વ્યક્તિગત વિષય હોવાથી સરકારે તેમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ; પતિ જાવેદ અખ્તર અને પિતા કૈફી આઝમી નાસ્તિક હોવાનો પણ અભિનેત્રીએ કર્યો ખુલાસો

શબાના આઝમીએ ધર્મને ગણાવ્યો અંગત મામલો: કહ્યું- ‘હું મુસ્લિમ છું પણ નમાઝ અદા નથી કરતી’

મુંબઈ, તા.૨૨
હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી શબાના આઝમીએ તાજેતરમાં ધર્મ અને વ્યક્તિગત આસ્થા અંગે ખુલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એક વિશેષ ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેઓ મુસ્લિમ પરિવારમાંથી આવે છે અને સંસ્કૃતિ તથા પરંપરાઓની બારીકીઓને સારી રીતે સમજે છે, પરંતુ તેઓ પરંપરાગત ધાર્મિક રીતરિવાજોનું સક્રિયપણે પાલન કરતાં નથી.
પોતાના પારિવારિક માહોલ અને બાળપણની યાદો તાજી કરતાં શબાના આઝમીએ જણાવ્યું હતું કે તેમના પિતા અને જાણીતા કવિ કૈફી આઝમી સંપૂર્ણપણે નાસ્તિક વિચારધારા ધરાવતા હતા. જ્યારે તેમનાં માતા શૌકત આઝમી ઇસ્લામ ધર્મમાં શ્રદ્ધા રાખતાં હતાં, પરંતુ તેઓ ક્યારેય કટ્ટર નહોતાં. આ ઉપરાંત પતિ જાવેદ અખ્તર વિશે વાત કરતાં તેમણે સ્પષ્ટ કર્યું કે જાવેદ સાહેબ પણ પાકા નાસ્તિક છે અને ધાર્મિક માન્યતાઓમાં વિશ્વાસ ધરાવતા નથી.
વાતચીત દરમિયાન શબાના આઝમીએ ઉમેર્યું કે તેઓ ઘણીવાર ‘માશાલ્લાહ’ કે ‘ઈન્શાલ્લાહ’ જેવા રૂઢિપ્રયોગો બોલચાલમાં વાપરે છે, ત્યારે જાવેદ અખ્તર ઘણીવાર તેમને આ અંગે હળવાશથી સવાલો પણ પૂછતા હોય છે.
પોતાની અંગત ઓળખ સ્પષ્ટ કરતાં અભિનેત્રીએ કહ્યું, “હા, હું મુસ્લિમ છું. મને ઈદની ઉજવણી કરવી, ઉર્દૂ ભાષા બોલવી, પારંપરિક ખાણીપીણી અને સંસ્કૃતિ ખૂબ ગમે છે, પરંતુ હું નમાઝ અદા કરતી નથી. અમારે ધર્મના કડક નિયમો સાથે કોઈ ખાસ લેવાદેવા નથી.”
ધર્મ અને આસ્થાને વ્યક્તિનો સંપૂર્ણ અંગત અધિકાર ગણાવતાં શબાના આઝમીએ ભારપૂર્વક જણાવ્યું કે કોઈને પણ અન્ય વ્યક્તિની શ્રદ્ધા કે વિચારધારામાં દખલ કરવાનો અધિકાર ન હોવો જોઈએ. તેમણે કહ્યું કે, “ઈશ્વરની કલ્પનાની વાત કરીએ તો આ સંપૂર્ણપણે વ્યક્તિગત મામલો છે અને તેમાં સરકારે હસ્તક્ષેપ કરવાનો કોઈ અર્થ નથી. જો કોઈ વ્યક્તિને પ્રાર્થના કે પૂજા કરવાથી માનસિક શાંતિ મળતી હોય, તો તેમાં કોઈને પણ વાંધો હોવો જોઈએ નહીં.”