શાહિદ કપૂરના કો-સ્ટાર રોહુલ્લાહ મેહદીની ડ્રગ્સ કેસમાં ધરપકડ, રૂ.૫ લાખથી વધુના MD ડ્રગ્સ મામલે ઝડપાયો
મીરા રોડના કાશિમીરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી, સોશિયલ મીડિયા મારફતે ડ્રગ્સ રેકેટ ચલાવાતું હોવાની બાતમીના આધારે ઓપરેશન
મુંબઈ, તા.૨૪:
મુંબઈમાં ડ્રગ્સ રેકેટ સામે ક્રાઈમ બ્રાંચની કાર્યવાહીમાં અભિનેતા રોહુલ્લાહ મેહદીની ધરપકડ કરવામાં આવી છે. શાહિદ કપૂરની ફિલ્મ ‘દેવા’માં કામ કરી ચૂકેલા રોહુલ્લાહ મેહદીની રૂ.૫ લાખથી વધુના MD ડ્રગ્સના કેસમાં મુખ્ય આરોપી તરીકે ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે સ્નેપચેટ, વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે MD ડ્રગ્સનું રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવા માટે નકલી ગ્રાહક તૈયાર કરી ઓપરેશન હાથ ધર્યું હતું.
પોલીસના નકલી ગ્રાહકે આરોપી પાસેથી ૨૮ ગ્રામ MD ડ્રગ્સની માંગણી કરી હતી. ડ્રગ્સની ડિલિવરી આપવા આરોપી પહોંચ્યો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો. ત્યારબાદ કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન આરોપીએ ડ્રગ્સ રેકેટમાં અભિનેતા રોહુલ્લાહ મેહદીનું નામ આપ્યું હોવાનું સામે આવ્યું છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી રોહુલ્લાહ મેહદી અંગે માહિતી એકત્ર કરી હતી. ત્યારબાદ અભિનેતાને તેના શૂટિંગ સેટ પરથી જ ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રોહુલ્લાહ મેહદી મૂળ જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાનો રહેવાસી છે અને કામના કારણે મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં રહેતો હતો.
રોહુલ્લાહ મેહદી એક્ટર અને મોડલ તરીકે કામ કરે છે. તેણે શાહિદ કપૂરની ફિલ્મ ‘દેવા’ ઉપરાંત કેટલીક વેબ સિરીઝમાં પણ અભિનય કર્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અભિનેતાની ડ્રગ્સ કેસમાં ધરપકડ થતાં આ મામલો ચર્ચામાં આવ્યો છે.
હાલ ક્રાઈમ બ્રાંચ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે રોહુલ્લાહ મેહદી સિવાય આ ડ્રગ્સ રેકેટમાં ફિલ્મ અથવા વેબ સિરીઝ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે નહીં.
પોલીસે રોહુલ્લાહ મેહદીને કોર્ટમાં રજૂ કર્યા બાદ પાંચ દિવસની કસ્ટડી મેળવી છે. હવે તપાસ દરમિયાન ડ્રગ્સના સપ્લાય અને સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલી વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.


