સમગ્ર સૌરાષ્ટ્રમાં સર્વત્ર ૧ થી પાંચ ઈંચ સાવર્ત્રિક વરસાદથી મુરજાતી મોલાતને જીવતદાન મળી ગયું
(બ્યુરો) રાજકોટ, તા.૨૧
નૈઋત્ય ચોમાસુ હવે વિદાયની આરે છે ત્યારે રહી રહીને પણ મેઘરાજાએ સૌરાષ્ટ્રની તરસી ધરાને તૃપ્ત કરી દીધી છે. ગઇકાલે પણ મેઘરાજાએ સૌરાષ્ટ્ર ઉપર ૧ થી ૫ ઇંચ સુધી વરસીને કૃપા વરસાવી હતી.
જુનાગઢનાં માણાવદરમાં ૫ , ભાવનગરના મહુવામાં ૪, રાજકોટના ગોંડલમાં ૩.૫ ઇંચ, કોટડાસાંગાણીમાં ૪ ઇંચ, સોમનાથમાં ૨ ઇંચ, સાવરકુંડલા પંથકમાં ૨ અને વેરાવળમાં ૨ ઇંચ તથા જામનગર પંથકમાં ૧ ઇંચ વરસાદ ખાબકયો હતો. સર્વત્ર મેઘ મહેરથી ખાસ કરીને કિસાનો ખુશખુશાલ છે અને પાક-પાણીનું ચિત્ર ઉજળુ બની ગયું છે.
સૌરાષ્ટ્રમાંથી પ્રાપ્ત થતા અહેવાલો મુજબ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગત બપોરથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં સારો એવો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.


