સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેઈલ દ્વારા ધમકી
સોમનાથ મંદિર ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ મુખ્ય કાર્યાલય, પોલીસ કર્મીઓ અને RAWને નિશાન બનાવવાની ઈમેલમાં ધમકી આપવામાં આવી : ‘અલ્લાહુઅકબર, ખાલિસ્તાન જીંદાબાદ, પાકિસ્તાન જીંદાબાદ, હિંદુસ્તાન મુર્દાબાદ, ભાજપ મુર્દાબાદ’ ના નારા લખવામાં આવ્યા
(બ્યુરો) અમદાવાદ તા.ર૧
ગુજરાતને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. કોઈ અજાણ્યા શખ્સે ઇમેઇલ મારફતે આતંકી ધમકી આપી છે. ધમકીભર્યા ઇમેઇલની શરૂઆતમાં ‘અસલામુ વાલેકુમ, અલ્લાહુ અકબર‘ લખીને દહેશત ફેલાવવાનો પ્રયાસ કરાયો છે.
ઇમેઇલમાં સોમનાથ મંદિર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ સેન્ટ્રલ ઓફિસ, તમામ પોલીસકર્મીઓ અને RAW એજન્સીને નિશાન બનાવવાનો ઉલ્લેખ કરાયો છે. અલગ-અલગ લોકેશન પર અગાઉથી જ બોમ્બ ફિટ કરી દેવામાં આવ્યા હોવાનો ઇમેઇલમાં ચોંકાવનારો દાવો કરાયો છે.
ધમકી આપનારે ઇમેઇલમાં ઝેર ઓકતા હિન્દુસ્તાન મુર્દાબાદ અને ભાજપ મુર્દાબાદ જેવા શબ્દોનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. પત્રમાં આતંકી કનેક્શન છતું કરતા પાકિસ્તાન ઝિંદાબાદ અને ખાલિસ્તાન ઝિંદાબાદના નારા પણ લખવામાં આવ્યા છે. ઇમેઇલના અંતમાં ફરી અલ્લાહુ અકબર લખાયું હતુ. ધમકી મળતા જ રાજ્યની તમામ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ એલર્ટ મોડ પર છે. તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઈમેલ દ્વારા મળેલી ધમકીને પગલે સોમનાથ મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે અને હાઈવે પર તેમજ મંદિર પરિસરમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જાેકે, આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ સોમનાથ મંદિરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી ઈમેલ મારફતે ધમકીની અમદાવાદ શહેર પોલીસને જાણ થઈ હતી, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ખાનપુરમાં ભાજપ કાર્યાલય ખાતે પહોંચી અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તેમજ બોમ્બ સ્કવોડની ટીમને પણ શહેર ભાજપ કાર્યાલય પર રવાના કરવામાં આવી હતી. જ્યારે અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઇ પી.બી ખાંભલાએ જણાવ્યું હતું કે, બોમ્બની ધમકીનો ઈમેઇલ મળતા ચેકીંગ કરવામાં આવ્યું હતું. બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી. પરંતુ કઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી.


