જૂનાગઢ શહેરમાં ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટીંગ
રવિવારે બપોર બાદ વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડયો : રસ્તા પર પાણી ફરી વળ્યા : જાેષીપરા અન્ડરબ્રીજમાં પાણી ભરાયા : જીલ્લામાં સરેરાશ ૧ થી ૩ ઈંચ વરસાદ
જૂનાગઢ તા. ૨૧
જૂનાગઢ સહીત જીલ્લાભરમાં ગઈકાલે બપોર બાદ મેઘરાજા અનરાધાર વરસી જતાં સર્વત્ર પાણી ફરી વળ્યા હતાં. ૩૭ મીનીટમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટીંગ થતાં નદી-નાળા, ડેમોમાં નવા નીરની આવક થઈ હતી. જૂનાગઢ શહેર અને જીલ્લામાં સરેરાશ ૧ થી ૩ ઈંચ વરસાદ પડી ગયો હતો રસ્તા પર સર્વત્ર પાણી ફરી વળ્યા હતાં. જેને લઈને ઠેર ઠેર વાહન ફસાવવાનાં બનાવો બન્યા હતાં. તેમજ જનજીવન પ્રભાવિત બન્યુ હતું.
જૂનાગઢ શહેરમાં ગઈકાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા હતાં. વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડયો હતો.
૩૭ મીનીટનાં સમયગાળા દરમ્યાન પડેલા આ વરસાદને લઈને શહેરનાં તમામ માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતાં. જયશ્રી રોડ, એમજી રોડ, કાળવા ચોક, વંથલી દરવાજા, દોલતપરા, જવાહર રોડ, ઝાંઝરડા રોડ, રેલ્વે સ્ટેશન સહીતનાં રોડ પર પાણી ફરી વળ્યા હતાં. એક તકે તો મુખ્ય માર્ગો ઉપર આવેલી જયશ્રી રોડ પર આવેલ દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતાં. જયારે જાેષીપરા અન્ડરબ્રીજમાં પણ પાણી ભરાવાનાં કારણે ટ્રક સહીતનાં વાહનો ફસાયા હતાં. બીજી તરફ મનપા તંત્ર દ્વારા પાણી ઉલેચવાની કામગીરી કરવામાં આવી હતી.
આ ઉપરાંત ઝાંઝરડા બ્રીજમાં પણ ભારે વરસાદને પગલે પાણી ભરાયા હતાં અને વાહન વ્યવહારને અસર પહોંચી હતી. જૂનાગઢ શહેરમાં આવેલા રેલ્વે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ ઉપર પણ ભારે વરસાદને કારણે તુટેલા છાપરામાંથી ધોધ વરસતા પેસેન્જરોને ભારે હાલાકી પડી હતી. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ શહેર તેમજ જીલ્લાનાં વિવિધ તાલુકામાં ગણતરીનાં સમયમાં જ જાેરદાર વરસાદ તુટી પડયો હતો. વિવિધ નદીઓમાં પણ ભારે પુર આવ્યા હતાં. કાળવા નદી, દામોદર કુંડ વગેરેમાં પણ ઉપરવાસનાં પાણીની આવક થઈ હતી. ગીરનાર ક્ષેત્રમાં પણ ભારે વરસાદ પડતા ઉપરવાસનું પાણી વહેવા લાગ્યુ હતું. અને ઝરણા વહેતા થયા હતાં. દરમ્યાન પ્રાપ્ત અહેવાલ અનુસાર જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકાનાં વરસાદ ઉપર એક દ્રષ્ટીપાત કરીએ તો માણાવદર તાલુકામાં ૭૧ મીમી, વંથલી ૪૮ મીમી, જૂનાગઢ ગ્રામ્ય ૬૦ મીમી, ભેંસાણ ૯ મીમી, વિસાવદર ર૧ મીમી, કેશોદ ૪૬ મીમી, માંગરોળ ર૦ મીમી, જૂનાગઢ શહેર ૬૦ મીમી અને ગીરનાર ક્ષેત્રમાં ૩૪ મીમી વરસાદ નોંધાયો છે. છેલ્લા એક અઠવાડીયા થયાા વરસાદનાં ઝાપટા અને મેઘાવી માહોલ સર્જાતો હોય લોકો સારા વરસાદની આશા રાખી રહયા હતાં. દરમ્યાન ગઈકાલે મેઘરાજાએ તોફાની વરસાદ વરસાવતા થોડી વારમાં જ પાણી પાણી કરી દીધુ હતું.




