‘હર ઘર તિરંગા’ સાથે રાષ્ટ્રપ્રેમની ગાથાનું સ્મરણ-બાળપણ અને પ્રાયશ્ચિતની ભૂમિ રાજકોટનો ‘કબા ગાંધીનો ડેલો’

‘હર ઘર તિરંગા’ સાથે રાષ્ટ્રપ્રેમની ગાથાનું સ્મરણ-બાળપણ અને પ્રાયશ્ચિતની ભૂમિ રાજકોટનો ‘કબા ગાંધીનો ડેલો’

રાજકોટ તા.૧૪
૧૫મી ઓગસ્ટ એટલે ભારત દેશના સ્વતંત્રતાનું મહાપર્વ. આઝાદીના આ અમૃત પર્વે જ્યારે આખો દેશ રાષ્ટ્રધ્વજને સલામી આપીને આઝાદીના લડવૈયાઓને યાદ કરી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રની ઐતિહાસિક ભૂમિ રાજકોટના ઘી કાંટા રોડ પર સ્થિત ‘કબા ગાંધીનો ડેલો’ આપણને એ મહાપુરુષના બાળપણની યાદ અપાવે છે જેમણે દેશની આઝાદી માટે અનન્ય યોગદાન આપ્યું છે. જે ભૂમિ પર એ બાળકમાં સત્ય અને અહિંસાના પ્રથમ બીજ રોપાયા અને સદગુણોનું સિંચન થયું, તે પાવન ભૂમિ એટલે રાજકોટનો ‘કબા ગાંધીનો ડેલો‘. આ સ્થળ આજે પણ મુલાકાતીઓને ગાંધીજીના બાળપણ અને તેમના જીવનના નૈતિક મૂલ્યોની અનુભૂતિ કરાવે છે. ઈ.સ. ૧૮૭૬માં ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી (કબા ગાંધી) રાજકોટના દીવાન તરીકે નિમાયા, ત્યારે ગાંધી પરિવારે પોરબંદરથી રાજકોટ સ્થળાંતર કર્યું હતું. ત્યારબાદ ૧૮૮૦-૮૧ દરમ્યાન આ મકાનનું નિર્માણ કરવામાં આવ્યું. ઈ.સ. ૧૮૮૧માં ગાંધી પરિવાર ભાડાના મકાનમાંથી અહીં રહેવા આવ્યો હતો. મહાત્મા ગાંધીએ પોતાના બાળપણ અને પ્રારંભિક જીવનના મહત્વપૂર્ણ વર્ષો (૧૮૮૧ થી ૧૮૮૭) આ જ પરિસરમાં વિતાવ્યા હતા. આ નિવાસસ્થાન પરંપરાગત કાઠીયાવાડી શૈલીમાં બાંધવામાં આવ્યું છે. કમાનવાળો વિશાળ પ્રવેશદ્વાર અને મોટું આંગણું એ આ ડેલાની મુખ્ય વિશેષતા છે. મહાત્મા ગાંધીએ તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં રાજકોટના આ નિવાસસ્થાનનો વિશેષ ઉલ્લેખ કર્યો છે. આ એ જ ઘર છે જ્યાંથી ગાંધીજીના ‘મહાત્મા’ બનવાના પ્રારંભિક સંસ્કારો સિંચાયા હતા. ગાંધીજીના જીવનનો મહત્વનો પ્રસંગ આ જ ઘરમાં બન્યો હતો. બાળપણમાં દેવું ચૂકવવા સોનાના કડાનો ટુકડો કાપ્યા બાદ, પ્રાયશ્ચિત રૂપે તેમણે પિતાજીને ચિઠ્ઠી લખીને દોષ કબૂલ્યો હતો. ચિઠ્ઠી વાંચીને પિતાજીની આંખમાંથી વહેલાં અશ્રુઓએ ગાંધીજીના હૃદયમાં પશ્ચાતાપ, અહિંસા અને સત્યનો દીપ પ્રગટાવ્યો હતો.પૂજ્ય બાપુના બાળપણના સંસ્કારો, સત્ય અને અહિંસાના પાઠ તથા પશ્ચાતાપની પાવન ક્ષણોનો સાક્ષી રહેલો આ ડેલો આજે પણ મુલાકાતીઓને સાદગી અને નૈતિકતાનો સંદેશ આપે છે. ઐતિહાસિક ‘કબા ગાંધીના ડેલા‘ને સંગ્રહાલય અને પ્રદર્શનમાં પરિવતિર્ત કરવામાં આવ્યું છે, સંગ્રહાલયમાં મહાત્મા ગાંધીના બાળપણથી લઈને, રાજકોટમાં શાળાજીવન, લંડનમાં અભ્યાસ, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહો અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સુધીની સમગ્ર જીવનયાત્રાને દર્શાવતી દુર્લભ તસવીરો મૂકવામાં આવી છે.