એન હેથવે સાથેના કિસિંગ સીન પર ડાકોટા જૉનસનની મજેદાર પ્રતિક્રિયા, કહ્યું- ‘હું આખી જિંદગી તેને કિસ કરી શકું’
સાયકોલોજિકલ થ્રિલર ‘વેરિટી’ના ઇન્ટિમેટ સીન રિલીઝ પહેલાં જ ચર્ચામાં; ડાકોટાએ એન હેથવે સાથેના સીન અંગે કરી ખુલ્લી વાત, 2 ઓક્ટોબરે ભારતમાં રિલીઝ થશે ફિલ્મ
મુંબઈ, તા.૧
હોલિવૂડ અભિનેત્રી એન હેથવે અને ડાકોટા જૉનસનની આગામી સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ ‘વેરિટી’ રિલીઝ પહેલાં જ ચર્ચામાં આવી છે. ખાસ કરીને ફિલ્મમાં બંને અભિનેત્રીઓ વચ્ચે ફિલ્માવવામાં આવેલા કિસિંગ સીને દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. હવે ડાકોટા જૉનસને પણ એન હેથવે સાથેના આ સીન અંગે હળવા અંદાજમાં વાત કરતાં આપેલી પ્રતિક્રિયા ચર્ચામાં આવી છે.
કોલિન હૂવરની બેસ્ટસેલિંગ નવલકથા પર આધારિત ‘વેરિટી’ 2 ઓક્ટોબર, 2026ના રોજ ભારતમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ પહેલાં સ્ટારકાસ્ટ પ્રમોશનમાં વ્યસ્ત છે અને આ દરમિયાન ફિલ્મના કેટલાક ઇન્ટિમેટ સીન અંગે પણ વાતચીત થઈ રહી છે.
તાજેતરમાં એક ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન ડાકોટા જૉનસનને એન હેથવે સાથેના ચર્ચિત કિસિંગ સીન અંગે પૂછવામાં આવ્યું હતું. જવાબમાં ડાકોટાએ રમૂજી અંદાજમાં કહ્યું હતું કે, ‘હું આખી જિંદગી એને કિસ કરી શકું, દરરોજ. તમને મારી જરૂર હોય તો હું ત્યાં જ છું.’ આ વાત બાદ તેણે ફિલ્મમાં જેરેમી ક્રૉફર્ડનું પાત્ર ભજવતા જોશ હાર્ટનેટની હળવા અંદાજમાં માફી પણ માગી હતી.
ફિલ્મના ઇન્ટિમેટ સીન અંગે એન હેથવેએ પણ એક રમૂજી અનુભવ શેર કર્યો હતો. તેણે કહ્યું હતું કે ફિલ્મ દરમિયાન કલાકારોએ એકબીજા સાથે અનેક કિસિંગ સીન કર્યા હતા અને આટલા સીન બાદ પણ કોઈ બીમાર ન પડ્યું તે પોતાનામાં જ એક ચમત્કાર જેવું હતું. બંને અભિનેત્રીઓની આ હળવી વાતચીત બાદ ‘વેરિટી’ના ઇન્ટિમેટ સીનને લઈને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા વધી છે.
માઇકલ શૉલ્ટરના દિગ્દર્શનમાં બનેલી ‘વેરિટી’ એક સાયકોલોજિકલ થ્રિલર છે. ફિલ્મમાં ડાકોટા જૉનસન લૉવેન એશ્લીનું પાત્ર ભજવી રહી છે. લૉવેન એક સંઘર્ષ કરી રહેલી લેખિકા છે, જેને જાણીતી લેખિકા વેરિટી ક્રૉફર્ડની અધૂરી રહી ગયેલી પુસ્તક શ્રેણીને પૂર્ણ કરવાની તક મળે છે.
આ કામ માટે લૉવેન વેરિટી ક્રૉફર્ડના પરિવારના ઘરે પહોંચે છે. અહીં તેને એક આત્મકથાત્મક પાંડુલિપિ હાથ લાગે છે, જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા છુપાયેલા હોય છે. આ પાંડુલિપિ વાંચ્યા બાદ લૉવેન ધીમે-ધીમે પરિવાર સાથે જોડાયેલા રહસ્યોમાં ઊંડે ઉતરતી જાય છે.
ફિલ્મમાં જોશ હાર્ટનેટ વેરિટીના પતિ જેરેમી ક્રૉફર્ડના પાત્રમાં જોવા મળશે. વાર્તા આગળ વધવાની સાથે લૉવેન માટે સત્ય અને કલ્પના વચ્ચેની રેખા વધુ અસ્પષ્ટ બનતી જાય છે. રહસ્યમય પાંડુલિપિમાં લખાયેલી બાબતો ખરેખર સત્ય છે કે પછી તેની પાછળ કોઈ બીજી જ કહાની છુપાયેલી છે, તેના આધારે ફિલ્મનું સસ્પેન્સ આગળ વધે છે.
‘વેરિટી’નું નિર્માણ એમેઝોન MGM સ્ટુડિયોઝ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ભારતમાં ફિલ્મનું વિતરણ સોની પિક્ચર્સ રિલીઝિંગ ઇન્ટરનેશનલ કરશે. કોલિન હૂવરની લોકપ્રિય નવલકથા પર આધારિત હોવાના કારણે ફિલ્મની જાહેરાતથી જ તેના પુસ્તકના ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
હવે ફિલ્મની રિલીઝ નજીક આવતાં એન હેથવે અને ડાકોટા જૉનસન વચ્ચેના કિસિંગ સીન તેમજ તેના પર બંને અભિનેત્રીઓની રમૂજી પ્રતિક્રિયાએ ‘વેરિટી’ને વધુ ચર્ચામાં લાવી દીધી છે.


