જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, જુની સરકારી કચેરીઓ, રામનિવાસનાં સરકારી કવાર્ટરોની જમીન કબ્જે કરવા બિલ્ડરો અને રાજકીય મોટા માથાઓની મેલીમુરાદ

શહેરનાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ કરોડોની જમીન સસ્તા ભાવે હડપ કરી જવાનો કારસો?

જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, જુની સરકારી કચેરીઓ, રામનિવાસનાં સરકારી કવાર્ટરોની જમીન કબ્જે કરવા બિલ્ડરો અને રાજકીય મોટા માથાઓની મેલીમુરાદ

જૂનાગઢ તા. 9
જૂનાગઢ શહેરનાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર એલસીબી કચેરીની નજીક આવેલા જીલ્લા પંચાયતનું ગેસ્ટ હાઉસ તેમજ જુની પ્રાથમિક શિક્ષણાધિકારીની ખાલી પડેલી પડતર જમીન તેમજ શહેરનાં હાર્દસમા દિવાન ચોક વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓની ખાલી પડેલી જમીન મિલ્કતો તેમજ રામનિવાસ નજીક આવેલી સરકારી કવાર્ટરનાં ખાલી પડેલી જગ્યા કબ્જે કરવા માટેની હિલચાલ શરૂ થઈ હોવાનાં આધારભૂત રીતે અહેવાલ મળી રહયા છે. કરોડોની કિંમતની આ જમીન સાવ પાણીનાં ભાવે પડાવી લેવા માટે અથવા તો ભાડા પટ્ટે મેળવી લેવાનાં કારસા રૂપે જૂનાગઢથી ગાંધીનગર સુધીની હોટલાઈન ઉપર લોબીંગ કરવામાં આવી રહયું છે ત્યારે શહેરમાં આવેલી અને હાલ નકામી બની ગયેલી પડતર જમીનો ઉપર કોઈ લેભાગુ તત્વો તેમજ રાજકીય માથાઓ યેનકેન પ્રકારે આ જમીનનો કબ્જાે સંભાળે તે પહેલા જ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાંપતી નજર રાખી આવું કંઈ થતું હોય તો વહેલી તકે અટકાવવામાં આવે તેવી લાગણી અને માંગણી આમ જનતામાં પ્રવર્તી રહી છે.
જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો, દબાણો, નિયમ વિરૂધ્ધના ખડકી દેવાયેલા બિલ્ડીંગોથી લઈ વોકળા ઉપર બનાવી નાખવામાં આવેલ ગેરકાયદે ઈમારતોનાં એક એકથી ચડીયાતા કારનામાઓ અવાર-નવાર બહાર આવેલ છે તેમજ કથિત ગેરકાયદસર બાંધકામો અંગેની  પુરાવાઓ સાથેની ફાઈલો ઉચ્ચકક્ષાએ પહોંચાડી આવા કથિત ગેરકાયદે બાંધકામો દુર કરવાની માંગણીઓ અને રજુઆતો કરવામાં આવી હોવા છતાં પણ આવા ગેરકાયદેસર બાંધકામોની કાંકરી પણ ખરી નથી તે પણ એટલું જ સત્ય છે. દરમ્યાન ગેરકાયદેસર બાંધકામો અને દબાણોનો સીલસીલો નવી દિશા, નવા અંદાજમાં હજુ પણ આગળ વધી રહયો હોવાની ચર્ચાઓએ જાેર પકડયું છે. જાણકાર સુત્રોમાં ચર્ચાતી વિગત અનુસાર હવે વાત ગેરકાયદેસર દબાણોથી  આગળ વધી હવે સરકારી પડતર જમીનો હડપ કરી લેવા માટેના કારસા ઘડવામાં આવી રહયા છે અને કીંમતી જમીનો પચાવી પાડવાની કથીત હીલચાલ કરવામાં આવતી હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે.
જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં અનેક ઈમારતો, સરકારી પડતર જમીનો આવેલી છે. મોટાભાગની સરકાર હસ્તકની ઈમારતો ખુબજ ખરાબ હાલતમાં છે અને તેના કંમ્પાઉન્ડ ખાલીખમ પડયા છે. ઉપરાંત પાછલા વર્ષોમાં સરકાર હસ્તકનાં વિવિધ વિભાગો કાર્યરત હતા. તેમાંથી પણ ઘણા વિભાગો બંધ છે. અને તેની આસપાસ આવેલી મોટા પ્રમાણની સરકારી જમીનો પણ પડતર હાલતમાં છે એટલે કે આવી સરકારી પડતર જમીનો કોઈ ઉપયોગમાં નથી. જૂનાગઢ મનપા દ્વારા જૂનાગઢ શહેરનાં આવેલી સરકારી ઈમારતો તેના કંમ્પાઉન્ડોની વિશાળ જગ્યા જે પડતર છે તેનો જાે સર્વે કરવામાં આવે તો સેંકડો ક્ષેત્રફળની જમીનો અને તે પણ સરકારી કે જેનો સરકાર સિવાય કોઈ માલીક નથી તે પડતર છે અને આ બધીજ જગ્યાઓ મોકાની જગ્યાઓ ઉપર આવેલી હોવાના કારણે તેની કરોડોની કીંમત આંકી શકાય તેમ છે. હવે જ ખરી વાત સામે આવે છે તે એ છે કે સરકારી તંત્ર હસ્તકની અને સરકારનાં ચોપડે પડતર જમીન તરીકે ઓળખાતી સરકારની જ વિશાળ જગ્યાઓ ઉપર કબ્જાે જમાવવાની હીલચાલ થઈ રહી હોવાની ચર્ચા છે.
માર્કેટમાં જે જમીનોની કિંમત કરોડોની આંકવામાં આવી શકે છે તેવી જમીન સાવ સસ્તા ભાવે એટલે કે પાણીનાં ભાવે હાથ પર લઈ અને હડપ કરવાની હીલચાલ થઈ રહી હોવાની વિગતો લોકોમાં ચર્ચાઈ છે. સરકારી પડતર જમીનો સાવ સસ્તા ભાવે વેચાતી લેવાની અથવા તો ભાડા પટે લીઝથી લેવા માટે ગણતરીબાજાે કાર્યરત બન્યા છે. ઉચ્ચકક્ષાએ બેેઠેલા અધિકારીઓ, વગધારી લોકો તેમજ રાજકીય મોટા માથાઓ, સરકારી પડતર જમીનો ઉપર ટાપીને બેઠા છે અને લાગ મળ્યે જૂનાગઢ શહેરમાં આવેલી સરકારી પડતર જમીનો હડપ કરી જવાનો કારસો ઘડી રહયા હોવાનું પણ ચર્ચાઈ છે.
વગધારીઓ અને રાજકીય માથાઓની નજર સરકારી પડતર જમીનો ઉપર છે અને તેઓનો ડોળો આ પડતર જમીનો ઉપર મંડાયેલો છે તેવા સંજાેગોમાં સરકારી પડતર કીંમતી જમીનો મેળવવાની કેટલાક રાજકીય માથાઓની મેલી મુરાદ પાર પડે તે પહેલા સ્થાનીક તંત્ર, સરકાર દ્વારા ચાંપતી નજર રાખી અને રાજકીય માથાઓની મુરાદ બર ન આવે તેવી કાર્યવાહી કરવા તેમજ જૂનાગઢ શહેરમાં આવેલી સરકારી પડતર જમીનોનો સદઉપયોગ વિકાસનાં કામો માટે કરવામાં આવે અને જૂનાગઢને વધુ સુવિધાજનક બનાવવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.