વીર સાવરકરના પ્રપૌત્રએ અદાલતમાં કબુલાત કરી : સાવરકરે બ્રીટીશ સરકાર સમક્ષ દયાની 10 અરજી કરી હતી, વફાદારી નહીં
પૂણે,તા.18:
વીર સાવરકરના પ્રપૌત્ર સાત્યકી સાવરકરે પૂણેની અદાલતમાં સ્વીકાર્યું હતું કે, વી ડી સાવરકરે સજામાં રાહત મેળવવા માટે બ્રિટિશ સરકાર સમક્ષ 10 વખત દયાની અરજી કરી હતી. જોકે આ અરજીઓનો સ્વર નમ્રતા દર્શાવતો ન હતો અને તેમાં બ્રિટિશ શાસકો પ્રત્યે વફાદારી વ્યક્ત કરતા શબ્દો પણ નહોતા. સોમવારે વિશેષ ન્યાયાધીશ અમોલ શિદેની અદાલતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના વકીલ મિલિદ પવાર દ્વારા કરવામાં આવેલી ઊલટતપાસ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. આ ફોજદારી માનહાનિનો કેસ રાહુલ ગાંધીના માર્ચ 2023માં લંડનમાં કરાયેલા એક ભાષણ સાથે સંબંધિત છે. સાત્યકી સાવરકરે ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે, રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં વીર સાવરકર અંગે ખોટું નિવેદન આપીને તેમની માનહાનિ કરી હતી.


