૧૨ વર્ષ બાદ ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’નું ભદ્રમાં પુનરાગમન
યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તારમાં કલા, સંસ્કૃતિ, પરંપરા, સ્થાપત્ય અને વારસાની ઉજવણી થશે
અમદાવાદ, ૪
અમદાવાદના સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી માટે વર્લ્ડ હેરિટેજ સપ્તાહ દરમિયાન બે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભદ્ર ફેસ્ટિવલ ૧૯ નવેમ્બર ૨૦૨૬, વોટર હેરિટેજ સિરીઝ ૨૫ નવેમ્બર ૨૦૨૬, ભદ્ર ફેસ્ટિવલ ૧૯ નવેમ્બર યોજવામાં આવી રહયું છે.
વર્ષ ૨૦૧૪માં પ્રથમ વખત યોજાયેલા ‘ભદ્ર ફેસ્ટિવલ’નું ૧૨ વર્ષ બાદ ફરી એકવાર અમદાવાદના ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’ દ્વારા આયોજિત આ ફેસ્ટિવલમાં સંગીત, નાટ્યકલા, વાર્તાકથન, લોકપરંપરાઓ અને વિઝ્યુઅલ આર્ટ્સની વિવિધ રજૂઆતો જાેવા મળશે. ભારતના ઐતિહાસિક સ્મારકોમાં સંગીત અને કલાના વિવિધ સ્વરૂપોને લોકો સુધી પહોંચાડવાની ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’ની ૧૭ વર્ષની સફરમાં આ ફેસ્ટિવલ એક મહત્વપૂર્ણ પ્રસંગ બની રહેશે. સાંજે ૪:૦૦ વાગ્યાથી શરૂ થનારા આ ફેસ્ટિવલના કાર્યક્રમો ભદ્ર કિલ્લો, પ્રેમાભાઈ હોલ પરિસર અને ભદ્ર પ્લાઝા ખાતે યોજાશે. સાંજે ૭:૧૫ વાગ્યે ત્રણ દરવાજા ખાતે ભવ્ય સંગીત સમારોહ યોજાશે. ફેસ્ટિવલ અંગે ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’નાં સ્થાપક અને આર્ટિસ્ટિક ડિરેક્ટર બિરવા કુરેશીએ જણાવ્યું હતું કે, “બાર વર્ષ પછી ફરી ભદ્રમાં આવવું અમારા માટે ખૂબ જ ખાસ છે. ભદ્ર વિસ્તારની પોતાની એક આગવી ઓળખ છે. અહીંનું સ્થાપત્ય, નાટ્યકલા, સંગીત, પરંપરાઓ અને રોજિંદું જીવન, આ બધું જ આ સ્થળને જીવંત બનાવે છે. અમે ઇચ્છીએ છીએ કે લોકો વર્ષોથી જે જગ્યાઓને ઓળખે છે, તેને આ વખતે ‘ભદ્ર ફેસ્ટિવલ’માં કંઈક અલગ રીતે જુએ અને અનુભવે.” પ્રવેશ: નિ:શુલ્ક. ભદ્ર કિલ્લા અને ત્રણ દરવાજા ખાતે યોજાનારા સંગીત સમારોહ માટે જ BookMyShow પર અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ફેસ્ટિવલના અન્ય તમામ સ્થળોએ રજિસ્ટ્રેશન વિના પ્રવેશ મેળવી શકાશે. કેટલીક બેઠકો અનામત રાખવામાં આવશે. વોટર હેરિટેજ સિરીઝ અંતર્ગત અમદાવાદની ત્રણ ઐતિહાસિક વાવમાં સંગીત, કવિતા અને નૃત્યના વિશેષ કાર્યક્રમો યોજાશે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતા અમદાવાદની આ વાવમાં પરોઢથી સાંજ સુધી વિવિધ કલાકારો પોતાની કલા રજૂ કરશે.
બિરવા કુરેશી દ્વારા વર્ષ ૨૦૧૦માં સ્થાપવામાં આવેલી ક્રાફ્ટ ઓફ આર્ટ સંસ્થા છેલ્લા ૧૭ વર્ષથી ભારતના ઐતિહાસિક સ્મારકો ખાતે સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરતી આવી છે. સરખેજ રોજા, અડાલજની વાવ, ધોળાવીરા, ચાંપાનેર-પાવાગઢ, રાણીની વાવ, મોઢેરા, અડાલજ, ઇલોરા અને ગોલકોંડા કિલ્લા જેવા સ્થળોએ સંસ્થાએ વિવિધ કાર્યક્રમો યોજ્યા છે. આ કાર્યક્રમો દ્વારા ક્રાફ્ટ ઓફ આર્ટનો પ્રયાસ ભારતના સમૃદ્ધ સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાને લોકો સુધી પહોંચાડવાનો અને કલા દ્વારા તેમને આ ઐતિહાસિક સ્થળો સાથે જાેડવાનો રહ્યો છે.


