ઉત્તરાખંડની ચમોલી ટનલ દુર્ઘટનામાં ૭ના મોત : હજુ પણ ૩ લોકો ફસાયેલા

ઉત્તરાખંડની ચમોલી ટનલ દુર્ઘટનામાં ૭ના મોત : હજુ પણ ૩ લોકો ફસાયેલા

(એજન્સી)           ચમોલી તા.૧૪
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પીપલકોટીમાં નિર્માણાધીન ટનલમાં થયેલી દુર્ઘટના બાદ ૧૫ કલાકથી બચાવ ટીમો સતત શોધખોળ કરી રહી છે. આ દુર્ઘટનામાં ૭ લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો હજુ પણ ટનલમાં ફસાયેલા છે. બચાવ દળે ૧૪ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.
બચાવેલા લોકોમાંથી ૧૩ ઘાયલોની ગોપેશ્વરની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે, એક ગંભીર ઘાયલ વ્યક્તિને હાયર સેન્ટર શ્રીનગર રિફર કરવામાં આવ્યો છે. ટનલની અંદર પાણી અને કાટમાળ આવવાને કારણે બચાવ અભિયાન પડકારજનક બન્યું છે. 
ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ દળ સતત પ્રયાસ કરી રહ્યા છે. આ દુર્ઘટનામાં ૭ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે. મૃતકોમાં મુકેશ, પ્રદીપ પંવાર, દુર્લભ શર્મા, વિજય, જીતેન્દ્ર, લકેશ્વર અને ઘુનેશ્વરનો સમાવેશ થાય છે. બહાર કાઢવામાં આવેલા મજૂરોમાંથી ૨ની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે.